ઘટના@દાહોદ: ધો.10ના વિદ્યાર્થીએ શાળાની હોસ્ટેલમાં આપઘાત કર્યો, કયા કારણે આવું પગલું ભર્યું ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દાહોદમાથી હદય કંપાવી ઊઠે એવી આત્મહત્યાની એક દૂ:ખદ ઘટના સામે આવી છે. ઝાલોદ તાલુકાના દેવજીની સરસવાણી ગામે આવેલી રામ જાનકી ઉત્તરબુનિયાદી આશ્રમ શાળામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. અહીં અભ્યાસ કરતા ધોરણ-10ના એક વિદ્યાર્થીએ છાત્રાલયના રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જેથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
માહિતી મુજબ દેવજીની સરસવાણી આશ્રમ શાળાની છાત્રાલયમાં રહેતા ધોરણ-10ના વિદ્યાર્થી પવન ચરપોટે પોતાના રૂમમાં પંખા સાથે કપડું બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. લટકતી હાલતમાં વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા છાત્રાલયના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ઝાલોદ પોલીસ અને વહીવટી અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
વિદ્યાર્થીના આત્મહત્યાના સમાચાર મળતા જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જોકે, આ આત્મહત્યા પાછળ ગંભીર કારણો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મૃતક વિદ્યાર્થીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, બે દિવસ પહેલા જ વિદ્યાર્થીએ પરિવાર સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, તેને શાળાના શિક્ષકો દ્વારા હેરાન કરવામાં આવી રહ્યો છે. પોલીસે વધુ તપાસ માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક વિદ્યાર્થીના ભાઈ હર્ષદ ચરપોટે જણાવ્યું કે, બે ત્રણ દિવસ પહેલા મારા ભાઈનો ફોન આવ્યો હતો અને રડતો હતો. રડતા રડતા કહ્યું હતું કે, સર મને હેરાન કરે છે અને અપશબ્દો બોલે છે તું હોસ્ટેલમાં આવીને વાત કરજે. આજે આશ્રમ શાળામાંથી જાણ થઈ કે ભાઈએ સુસાઇડ કર્યું છે. આ બાબતે તપાસ થવી જોઈએ.
રામ જાનકી આશ્રમ શાળાના આચાર્ય નિતેશ પ્રજાપતિએ જણાવ્યુ કે, આશ્રમ શાળા અંદર જ્યારે બાળકો જમવા માટે ગયા ત્યારે એક છોકરો જમીને દરવાજા પાસે ગયો હતો. જોકે, તે બારણું ખોલતો ન હતો. જેથી ધક્કો મારીને દરવાજો ખોલ્યો તો વિદ્યાર્થી લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેથી 108 અને પોલીસ તેમજ અમારા અધિકારીઓને આ બાબતે જાણ કરી હતી. હાલમાં પોલીસ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે.
આશ્રમ શાળામાં છાત્રની આપઘાતની ઘટનાને લઈને પ્રાયોજના વહીવટદાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. છાત્રના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે દાહોદ ઝાયડ્સ ખાતે લઈ જવાયો છે. આ બનાવથી શિક્ષક આલમ ભારે ચકચાર મચી ગઈ છે.
વિદ્યાર્થીના મોત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. પરિવારના આક્ષેપોને પગલે પોલીસ હવે તે દિશામાં તપાસ કરી રહી છે. ધોરણ-10ની બોર્ડની પરીક્ષાના બે માસ બાકી છે. ત્યારે એક આશાસ્પદ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા સમગ્ર આશ્રમ શાળા અને ગ્રામીણ વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.

