ઘટના@અમદાવાદ: પતિથી કંટાળીને પત્નીએ આત્મહત્યા કરી, જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. પિતાએ લગ્નમાં 9 લાખ રોકડા, દાગીના અને ઘર વખરી આપી હોવા છતાં પતિ ત્રણ લાખ લઈ આવવા દબાણ કરતો હતો. ત્યાર બાદ બાઈકની ડિમાન્ડ શરૂ કરી મારઝૂડ કરતો હતો. આટલું જ નહીં પત્નીને પિતરાઈ ભાઈના લગ્નમાં પણ જવા દીધી ન હતી. આથી મનમાં લાગી આવતા પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં મૃતક પરિણીતાના પિતાએ જમાઈ અને તેની માતા વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.
ઉત્તરપ્રદેશના બાંદા દિલ્લાના બેંદા ગામમાં રહેતા અને ખેતીવાડી કરતા રાજકુમાર ઠાકુરનાં છ સંતાન પૈકી દીકરી પૂજા (ઉં. 28)ના લગ્ન વર્ષ 2019માં ઉદયસિંહ સુરેન્દ્રસિંહ રાજપૂત સાથે થયા હતા. લગ્નમાં પૂજાની સાસરી પક્ષને રાજકુમારે રોકડા રૂ.9 લાખ, દાગીના તેમ જ ઘરવખરીનો સામાન દહેજમાં આપ્યો હતો. જોકે પૂજાની સાસરી મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના અમાઇન ગામમાં આવેલી હતી, જેથી લગ્ન બાદ બે દિવસ પૂજા સાસરીમાં રહી હતી.
ત્યાર બાદ પૂજા તેના પતિ, સાસુ ઉષાબહેન અને સસરા સુરેન્દ્રસિંહ રાજપૂત સાથે ચાંદલોડિયા રણછોડરાયનગરમાં રહેતા હતા. સંતાનમાં તેને ત્રણ વર્ષનો દીકરો ગણેશ હતો. લગ્નનાં બે વર્ષ સુધી પૂજાને તેનો પતિ, સાસુ અને સસરા સારી રીતે રાખતાં હતાં. ત્યાર બાદ પતિ અને સાસુએ દહેજ બાબતે ત્રાસ આપવાનું શરૂ કર્યંુ હતું. સુરેન્દ્રસિંહ પૂજાને પિયરમાંથી રૂ.3 લાખ લઈ આવવા દબાણ કરતો હતો.
જોકે પૂજાએ તેના પિતાને પૈસા માટે વાત કરી હતી, પરંતુ તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ 3 લાખ રૂપિયા આપી શક્યા ન હતા. આથી સુરેન્દ્રસિંહ છેલ્લા એક વર્ષથી પૂજાને તેના પિતા પાસેથી બાઇક લઈ આવવા દબાણ કરતો હતો. જોકે બાઇક ન આવતા સુરેન્દ્રસિંહ પૂજા સાથે મારઝૂડ કરતો હતો. દરમિયાનમાં 15 દિવસ પહેલા કાકાના દીકરીના લગ્ન હોવા છતાં સુરેન્દ્રસિંહ અને તેની માતા ઉષાબહેને પૂજા સાથે મારઝૂડ કરી તેને લગ્નમાં આવવા દીધી ન હતી.
આથી મનમાં લાગી આવતા પૂજાએ 6 માર્ચના રોજ સાસરીમાં પંખા સાથે સાડી બાંધી ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે રાજકુમાર ઠાકુરે જમાઈ સુરેન્દ્રસિંહ અને તેની માતા ઉષાબહેન વિરુધ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.