ઘટના@અમદાવાદ: પોલીસ સ્ટેશનમાં યુવકે પંખે લટકીને આત્મહત્યા કરી

પોલીસ કર્મચારીઓને કોઈ વ્યક્તિ તેને હેરાન કરી રહી હોવાની વાત કરી હતી.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદમાંથી આત્મહત્યાની ઘટના સામે આવી છે.અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં મદદ માટે આવેલા ઉત્તરપ્રદેશના યુવકે પોલીસની નજર ચૂકવી ઈલેક્ટ્રિક રૂમમાં જઈ પેન્ટથી પંખે લટકી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મૃતક રાજુ જામનગરમાં નોકરી કરતો હતો અને થોડા દિવસથી માનસિક તણાવમાં હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રાજુ પોતાના વતન ઉત્તરપ્રદેશ જવા માટે મિત્ર સાથે નીકળ્યો હતો. ટ્રેન કાલુપુર પહોંચી ત્યારે રાજુ મિત્રને જાણ કર્યા વગર ટ્રેનમાંથી ઉતરી ગયો હતો અને ત્યાંથી ચાલતો સીધો શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ તેણે પોલીસ કર્મચારીઓને કોઈ વ્યક્તિ તેને હેરાન કરી રહી હોવાની વાત કરી હતી.

રાજુની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે તેના ભાઈ સાથે ફોન પર વાત કરાવી હતી. રાજુ પાસે પૈસા ન હોવાનું જણાવતા તેના ભાઈએ એક દિવસમાં રૂપિયા મોકલી આપવાની ખાતરી આપી હતી.આ દરમિયાન એક પોલીસ કર્મચારીએ પણ રાજુને નાસ્તો કરવા માટે 100 રૂપિયા આપ્યા હતા. જોકે, રાજુ પોલીસ સ્ટેશનમાં હાજર હતો ત્યારે તક જોઈને ઈલેક્ટ્રિક રૂમમાં જતો રહ્યો હતો. થોડા સમય બાદ તેણે ત્યાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ રાજુ છેલ્લા ચાર દિવસથી જામનગરમાં ટેન્શનમાં હતો અને માનસિક રીતે પરેશાન હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બીજી તરફ રાજુ સાથે યુપી જઈ રહેલો તેનો મિત્ર હાલમાં ફોન ઉપાડતો ન હોવાથી પોલીસે તેની પણ તપાસ શરૂ કરી છે.