ઘટના@ગાંધીનગર: 21 વર્ષીય યુવકે પોતાના જ રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, કયા કારણે આવું પગલું ભર્યું ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગરમાંથી હૃદય કંપાવી ઊઠે એવી એક આત્મહત્યાની ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં સેક્ટર-4માં પરિવાર સાથે ખુશી-ખુશી જમ્યા બાદ અગમ્ય કારણોસર 21 વર્ષીય યુવકે પોતાના જ રૂમમાં પંખે ચાદર વડે ગળેફાંસો ખાઈ આપત્મહત્યા કરી લેતા સેક્ટર 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના અનુસાર, સેક્ટર-4/એમાં મકાન નંબર 83/2 માં રહેતા અનસ અબ્દુલરશીદ પટેલના ઘરે બપોરના સમયે સામાન્ય માહોલ હતો. અનસ તેની વૃદ્ધ દાદી, માતા સલમાબેન જમ્યો હતો. જમ્યા બાદ પરિવારના સભ્યો વાતોએ વળગ્યા હતા. જ્યારે અનસ બીજા રૂમમાં ગયો હતો અને અંદરથી દરવાજો બંધ કરી લીધો હતો. ત્યારે પરિવારને અંદાજ નહોતો કે દરવાજો બંધ કરનાર અનસ હવે ક્યારેય જીવતો બહાર આવશે નહીં.
ઘણો સમય વીતવા છતાં અનસના રૂમમાંથી કોઈ પ્રત્યુતર ન મળતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. દરવાજો ખખડાવવા છતાં અંદરથી કોઈ અવાજ ન આવતા અંતે બારીની ગ્રીલમાંથી અંદર જોવામાં આવ્યું હતું. ત્યારે અંદરનું દૃશ્ય જોઈ પરિવારના સભ્યોની ચીસ નીકળી ગઈ હતી. અનસે પલંગની ચાદરને પંખા સાથે બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા સેક્ટર-7 પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
આ અંગે સેકટર 7 પોલીસે કહ્યું કે, મૃતકનો મોટો ભાઈ સાહિલ ડિજિટલ માર્કેટિંગની નોકરી કરે છે. જ્યારે તેની માતા સલમાબેન ઘરકામ કરે છે. ધોરણ 12 સુધીનો અભ્યાસ કરનાર અનસના આપઘાતનું કારણ હજી જાણવા મળ્યું નથી. પ્રાથમિક તપાસમાં કોઈ સુસાઇડ નોટ મળી નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. 21 વર્ષના યુવાને કયા માનસિક તણાવ કે કારણસર આ પગલું ભર્યું તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી પરિવાર અને મિત્રોની પૂછપરછ હાથ ધરી છે.

