ઘટના@ગુજરાત: ઘરની બહાર સૂતેલા યુવાનને સિંહણ ખેંચી ગઈ, જાણો સમગ્ર ઘટના વિશે

પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના વલાદર ગામે સિંહણે એક યુવકને ફાડી ખાધો છે. વલાદર ગામમાં ગત રાત્રિના સમયે 30 વર્ષીય યુવક મહેશ પ્રતાપ રાઠોડ પોતાના ઘરની બહાર સૂતો હતો. દરમિયાન ત્યાં આવી પહોંચેલી સિંહણે યુવાન પર હુમલો કરી તેને ઘસડીને લઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ઘરથી દોઢથી બે કિલોમીટર દૂર યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

આ ઘટનાને પગલે ગામ સહિત આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવકને પાંચ સંતાન છે. વનવિભાગ દ્વારા 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે પરંતુ પરિવારજનોએ સહાય લેવાની અને મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે. આટલી સહાયમાં પાંચ સંતાનોનું ભરણપોષણ થઈ શકે નહીં. જેથી વધુ સહાયની માગ પરિવારજનોએ કરી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા સિંહણને પકડવા માટે વિસ્તારમાં પાંજરાં મૂકવામાં આવ્યાં છે. સિંહણની હિલચાલ પર નજર રાખવા અને વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વન વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

મૃતક મહેશ રાઠોડના ભાઈ મુકેશ રાઠોડે જણાવ્યું કે, એ મજૂરી કરવા અહીંથી પોરબંદર ગયો હતો બે મહિના થયા છે. જામવાળા મારા દાદાનું અવસાન થયું હતું. જેથી તે જામવાળા ખબર કાઢવા આવ્યો હતો, અને ત્યાંથી ઘરે વલાદર આવ્યો હતો. ઘરે એ એકલો હતો, બીજું કોઈ સાથે હતું નહીં. મારા પપ્પાને એ બધા ગામમાં રહેતા હતા. ત્યાં આ બનાવ બન્યો હતો. અમે સવારે જામવાળા ગયા હતા. જેથી અમને કાંઈ ખબર પડી નહીં. રાતે અમે પાછા આવ્યા ત્યારે મારા ભાઈ મળ્યો ન હતો. જેથી અમે કુટુંબવાળાને ફોન કરી જાણ કરી હતી. પણ ક્યાંય એનો પત્તો લાગ્યો નહીં. જે બાદ અમે બે-ત્રણ લોકો રાતે તેને શોધવા ગયા હતા. ત્યારે અમને આ બનાવની જાણ થતાં જ અમે ગામલોકોને અને જંગલ ખાતાવાળાને જાણ કરી હતી. સિંહણ જોવા મળી હતી પણ હજુ તે પકડાઈ નથી.