ઘટના@થરાદ: 2 બાળકો સાથે માતાએ કેનાલમાં ઝંપલાવી, 1 બાળક બચ્યું, 1 લાપતા

2 વર્ષની બાળકીની શોધખોળ ચાલુ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વાવ-થરાદ જીલ્લાના ધરણીધર તાલુકાના ટડાવ ગામે આજે સવારે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેણે સમગ્ર પંથકને હચમચાવી દીધો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ટડાવ ગામની એક મહિલા પોતાના 2 માસૂમ બાળકો સાથે થરાદ દૂધ શીત કેન્દ્ર નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ પર પહોંચી હતી. થોડી જ વારમાં તે બંને બાળકો સાથે કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

ઘટના નજરે પડતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક યુવાનોએ જીવના જોખમે પાણીમાં ઝંપલાવીને એક બાળકને હેમખેમ બહાર કાઢી તેનો જીવ બચાવી લીધો હતો. બચાવાયેલા બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે.

બીજી તરફ, ભારે જહેમત બાદ કેનાલના પાણીમાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

જોકે, સાથે રહેલી 2 વર્ષની માસૂમ બાળકી હજુ સુધી મળી આવી નથી. તે કેનાલના પાણીમાં ગરકાવ થઈ હોવાની આશંકાને પગલે સ્થાનિક તરવૈયાઓ, ગ્રામજનો અને તંત્ર દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ઘટનાની જાણ થતાં જ કેનાલ કાંઠે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એક માતાએ પોતાના જ બે માસૂમ સંતાનો સાથે આટલું મોટું પગલું કેમ ભર્યું, તે પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. આ કરુણ ઘટનાને પગલે ટડાવ ગામ સહિત સમગ્ર વાવ-થરાદ પંથકમાં ભારે અરેરાટી અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.