ઘટના@વડોદરા: ફ્લેટમાં સિલિન્ડર ફાટ્યો: દિવાલ ધરાશાઈ, સદનસીબે પરિવારનો બચાવ

ફાયર બ્રિગેડે 1 કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેવ દિવાળીની રાત્રે વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં જોરદાર ધડાકાથી આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો. ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના ફ્લેટના કાચમાં તિરાડો પડી ગઈ અને લોકો ઘરની બહાર દોડી આવ્યા.

*શું થયું હતું?*

દેવ દિવાળી નિમિત્તે સોમા તળાવ પાસે આવેલા સિલ્વર સ્ટોલ એપાર્ટમેન્ટમાં ધૂમ દારૂખાનું ફોડવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન બીજા માળે આવેલા વસંતભાઈ પટેલના ફ્લેટમાં ફટાકડાના કારણે આગ લાગી ગઈ.

જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. ઘરમાં ટીવી, ફ્રીઝ, એસી સહિત તમામ ફર્નિચર અને ઘરવખરી આગમાં ભસ્મીભૂત થઈ ગઈ.

*સિલિન્ડર ફાટ્યો ને દિવાલ ધરાશાઈ:*

આગની ચપેટમાં ગેસ સિલિન્ડર પણ આવી જતા પ્રચંડ બ્લાસ્ટ સાથે સિલિન્ડર ફાટ્યો. ધડાકાભેર દિવાલ પણ તૂટી ગઈ. આસપાસના મકાનો પણ ધ્રુજી ઉઠ્યા. આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ, લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો.

*સદનસીબે પરિવારનો બચાવ:*

સારા નસીબે તે સમયે પરિવારજનો બહાર ગયા હોવાથી ઘરમાં કોઈ હાજર ન હતું. જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી. નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ જાત.

ગાજરાવાડી ફાયર બ્રિગેડની ટીમ સાથે પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ પણ દોડી આવી. એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો.પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.