ઘટના@વડોદરા: યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી

પોલીસ ઘટનાસ્થળે, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ફરી એકવાર આત્મહત્યાની ઘટના સામે આવી છે.વડોદરાના તરસાલી બાયપાસ નજીક આવેલા વડદલા ગામ ખાતેથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડદલા ગામ પાસે આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ પરથી એક અજાણ્યા યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. યુવકને લટકતી હાલતમાં જોઈને સ્થાનિક લોકો અને કામદારોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટના અંગે તાત્કાલિક સ્થાનિકો દ્વારા પોલીસ તેમજ આપાતકાલીન સેવાઓને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને બનાવની જાણ થતાં જ વરણામા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તબક્કે યુવકે આત્મહત્યા કરી છે કે પછી તેની સાથે અન્ય કોઈ અઘટિત કે શંકાસ્પદ ઘટના ઘટી છે તે અંગે હાલ કોઈ સત્તાવાર વિગતો સામે આવી નથી. પોલીસે સ્થળ પર પહોંચીને જરૂરી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કામગીરી શરૂ કરી છે.

હાલમાં વરણામા પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા મૃતક યુવકની ઓળખ છતી કરવાના તેમજ આ ઘટના પાછળનું ચોક્કસ અને વાસ્તવિક કારણ જાણવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર હાજર લોકો તથા આસપાસના વિસ્તારના રહેવાસીઓની પૂછપરછ કરી પોલીસે આગળની કાનૂની કાર્યવાહી તેજ કરી છે.