ઘટના@સુરત: વૃક્ષ અચાનક ધરાશાયી થતાં ભારે અફરાતફરી માહોલ સર્જાયો, વેપારી સહિત 3 લોકો દબાતા ઈજા

ફાયર બ્રિગેડે કટર વડે ઝાડ કાપી રસ્તો ખુલ્લો કરાવ્યો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરતના અતિવ્યસ્ત નાનપુરા શાકભાજી માર્કેટ પાસે આવેલા ધોતીવાલા બેકરી નજીક એક વિશાળકાય વૃક્ષ અચાનક ધરાશાયી થતાં ભારે અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને સ્થાનિક શાકભાજી- મચ્છીના વેપારીઓ સહિત 4થી 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 5થી 7 વાહનો અને આસપાસની દુકાનોને મોટું નુકસાન પહોંચ્યું છે. ઝાડ તૂટી પડવાનો ભયાનક લાઈવ વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં લોકો જીવ બચાવવા ભાગતા નજરે પડે છે.

ફાયર ઓફિસર બળવંતસિંહે જણાવ્યું કે, 112 હેલ્પલાઇન દ્વારા કોલ મળતાં જ ફાયર વિભાગની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોએ 3 ઇજાગ્રસ્તોને અગાઉથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. અન્ય કોઈ વ્યક્તિ દબાયેલી નથી તેની સુનિશ્ચિતતા કર્યા બાદ ફાયરની ટીમે કટર મશીન વડે વૃક્ષ કાપી દબાયેલા વાહનો બહાર કાઢ્યા હતા અને બ્લોક થયેલો મુખ્ય રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરાવ્યો હતો.

પ્રત્યક્ષદર્શી ફિરોઝ શેખે જણાવ્યું કે, સવારે આશરે 10:00 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી. વર્ષ 2025માં જ આ જોખમી વૃક્ષ કાપવા માટે તંત્રને લેખિત અરજી કરાઈ હતી, પરંતુ આ જગ્યા દરગાહની મિલકત હોવાનું કહીને તંત્રએ કાર્યવાહી ટાળી દીધી હતી. વિસ્તારમાં હજુ પણ નબળાં વૃક્ષો હોવાથી ભવિષ્યમાં પણ આવી હોનારત સર્જાવાની ભીતિ વ્યક્ત કરાઈ છે.

મચ્છીના વેપારી અને ભોગ બનનાર નયનાબેને જણાવ્યું કે, સવારે કોઈએ છંછેડ્યા વગર જ વૃક્ષ અચાનક પડી ગયું હતું. અહીંથી પસાર થઈ રહ્યા હતા તે બધાને પણ વાગ્યું હતું. મને પણ માથામાં વાગ્યું છે. પ્રશાસન પાસે અમારી એક જ માગ છે કે આવા અનેક બીજા ઝાડ છે તેને કટ કરવામાં આવે જેથી કરીને ફરી આવી દુર્ઘટના ના સર્જાય.

દુર્ઘટના બાદ સ્થાનિકો અને વેપારીઓએ ભારે આક્રોશ સાથે પ્રશાસન પાસે માગ કરી છે કે વિસ્તારમાં આવેલા અન્ય તમામ જોખમી અને નબળાં વૃક્ષોને તાત્કાલિક કાપીને હટાવવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં આવી હોનારતનું પુનરાવર્તન ન થાય.