ઘટના@સુરતઃ માતા-પિતાએ હોમવર્કનું કહેતાં ધો-7ના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

સમગ્ર વિસ્તારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરતમાં મોબાઈલના લતની એક હદય કંપાવતી ઘટના સામે આવી છે.. શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા અને ધોરણ-7માં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીએ માત્ર માતા-પિતાએ મોબાઇલ જોતા હોમવર્ક કરવાનું કહેતા જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પરિવારના એકના એક લાડકવાયા દીકરાના આ અંતિમ પગલાંથી સમગ્ર વિસ્તારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત સાંજે આશરે 6:30 વાગ્યાના સુમારે આ કરુણ ઘટના ઘટી હતી. વિદ્યાર્થી આખો દિવસ મોબાઇલમાં વ્યસ્ત રહેતો હોવાથી માતા-પિતાએ તેને પ્રેમથી ફોન બાજુ પર મૂકીને શાળાનું હોમવર્ક કરવા માટે જણાવ્યું હતું. જોકે, મોબાઇલ ગેમિંગની લતમાં ડૂબેલા માસૂમ બાળકને આ વાતનું ભારે માઠું લાગી આવ્યું હતું. આવેશમાં આવીને તેણે ઘરના રૂમમાં દુપટ્ટા વડે પંખા સાથે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

મૂળ ઓડિશાનો વતની આ પરિવાર છેલ્લા કેટલાક સમયથી વેડ રોડ ખાતે આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહે છે. પરિવારમાં માતા-પિતા, એક બહેન અને આ 13 વર્ષીય મૃતક દીકરો સમાવિષ્ટ હતા. પિતા લૂમ્સના ખાતામાં રાત-દિવસ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારમાં એકનો એક દીકરો હોવાથી તે સૌનો ખૂબ જ લાડકવાયો હતો. મૃતક વિદ્યાર્થી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વેડ રોડ સ્થિત શાળા નંબર 331માં ધોરણ-7માં અભ્યાસ કરતો હતો.

સુરતના વેડરોડ ખાતે લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા અને નગર પ્રાથમિક શાળામાં ધોરણ ૭માં અભ્યાસ કરતા સગીર વયના બાળકે સાંજના આશરે ૬:૩૦ વાગ્યાના સુમારે આત્મહત્યા કરી લીધી હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. બનાવ અંગે મૃતક બાળકના પરિચિત દીપેશ સોનીકરે વિગતો આપતા જણાવ્યું હતું કે, બાળકની માનસિક સ્થિતિ થોડી અસ્વસ્થ રહેતી હતી અને તે ખૂબ જ ગુસ્સાવાળા સ્વભાવનો હતો. માતા-પિતા કે પરિવારજનો દ્વારા કંઈ પણ ટોકવામાં આવે ત્યારે તે વિરોધ કરતો હતો.

ઘટનાના કારણ અંગે વાત કરતા દીપેશભાઈએ જણાવ્યું હતું કે, બાળકને મોબાઈલ ગેમિંગની ભારે લત લાગી હતી. માતા-પિતાએ તેને કોઈ ઠપકો પણ આપ્યો ન હતો, માત્ર હોમવર્ક કરવા માટે જ કહ્યું હતું. પરંતુ મોબાઈલના કારણે બાળક વધુ પડતો જિદ્દી બની ગયો હતો. આ સાથે ગેમ્સના કારણે બાળકના મગજ પર નકારાત્મક અસર પડી હતી અને તેણે આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

આ દુઃખદ બનાવ બાદ દીપેશભાઈએ તમામ વાલીઓને નમ્ર અપીલ કરી છે કે, બાળકોને મોબાઈલ ફોનથી શક્ય તેટલા દૂર રાખવા જોઈએ. વાલીઓએ પોતે પણ મોબાઈલનો ઉપયોગ ઘટાડીને પોતાના બાળકો સાથે વધુ સમય વિતાવવો જોઈએ, જેથી બાળક પોતાના મનની વાત ખુલ્લીને શેર કરી શકે. મોબાઈલ ગેમિંગના કારણે બાળકોમાં આક્રમકતા અને ગુસ્સો વધી રહ્યો હોવાથી આવી અપ્રિય ઘટનાઓ રોકવા માટે વાલીઓની જાગૃતિ અત્યંત જરૂરી છે.

આ દુઃખદ ઘટનાએ ફરી એકવાર બાળકોમાં વધતી ડિજિટલ લત અને તેમના માનસિક સ્વાસ્થ્ય અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ઘટનાની જાણ થતાં જ ચોક બજાર પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.