મોંઘવારી@સુરત: હીરા ઉદ્યોગને મોટો ઝટકો: રફ હીરા 10% મોંઘા, 20 લાખ રત્નકલાકારોની ચિંતા વધી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતના હીરા ઉદ્યોગ માટે ચીનથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. લેબગ્રોન ડાયમંડનો રફ સપ્લાય કરતી ચીનની બે મોટી કંપનીઓએ ભાવ વધારાની જાહેરાત કરતા જ સુરતના વેપારીઓ અને રત્નકલાકારોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.
*ચીને શું કર્યું?*
ચીનની લિઆન ડાયમંડ (હેનાન) કંપનીએ 1 નવેમ્બર, 2026થી રફ લેબગ્રોન ડાયમંડના ભાવમાં સીધો *10 ટકાનો વધારો* ઝીંકી દીધો છે. તેની સાથે જ ઝોંગનાન ડાયમંડ કંપનીએ પણ મૂળ ભાવના આધારે યોગ્ય પ્રમાણમાં ભાવ વધારો કરવાની જાહેરાત કરી છે.
બંને કંપનીઓએ ભાવ વધારા પાછળ રો-મટિરિયલ્સના ભાવમાં વધારો, ઉત્પાદન ખર્ચ વધવો અને ડોલર સામે ચીની ચલણ યુઆન મજબૂત બનવું જેવા કારણો દર્શાવ્યા છે.
*પોલિશ્ડ હીરા મોંઘા થશે?*
સુરત નેચરલ ડાયમંડની સાથે લેબગ્રોન ડાયમંડના કટિંગ અને પોલિશિંગનું પણ વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે.
રફ હીરા મોંઘા થતા હવે તેની સીધી અસર પોલિશ્ડ હીરા પર પડશે. આગામી દિવસોમાં પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે, તેવી ભીતિ ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે.
*20 લાખ રત્નકલાકારોની ચિંતા કેમ વધી?*
રાજ્યના અંદાજે 20 લાખ રત્નકલાકારો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. સુરતમાં નાના-મોટા હજારો યુનિટમાં કામ કરતા કારીગરો માટે આ ભાવવધારો મોટો આર્થિક બોજ સાબિત થઈ શકે છે.
દિવાળી વેકેશન બાદ બજાર ફરી શરૂ થતાં જ આ ભાવવધારો આવતા વેપારીઓનું આખું ગણિત ખોરવાઈ ગયું છે. હાલ પોલિશ્ડ હીરામાં તેજી છે, પણ રફ મોંઘો થતા નફો ઘટવાની ભીતિ છે.
સુરતના ઉદ્યોગકારોનું કહેવું છે કે, જો આ ભાવવધારો લાંબો ચાલ્યો તો તેની સીધી અસર એક્સપોર્ટ અને સ્થાનિક બજાર બંને પર પડશે.

