મોંઘવારી@ગુજરાત: મોંઘવારીનો બેવડો માર; વીજળી મોંઘી! યુનિટ દીઠ 15 પૈસા વધ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતના લોકોને મોંઘવારીનો બીજો મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યમાં વીજળીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. યુનિટ દીઠ 15 પૈસાનો વધારો થતા હવે દર મહિને આવતું વીજળીનું બિલ વધારે આવશે.
પ્રાપ્ત માહિતી મુજબ, 5 પ્રકારના ચાર્જ પર 3.99% ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે FPPAS ચાર્જ ₹2.30 થી વધીને ₹2.45 થયો છે. આ ઉપરાંત સપ્ટેમ્બરના બિલમાં એરિયર્સ પણ ઉમેરાશે, જેથી બિલનો બોજો વધુ વધશે.
આ વધારાની અસર ઘર, દુકાન, ઓફિસ અને ઉદ્યોગ - બધા પર પડશે. ફક્ત ખેતીને આ વધારામાંથી બાકાત રાખવામાં આવી છે. સામાન્ય રીતે 300 યુનિટ વીજળી વાપરતા પરિવારને મહિને ₹125 સુધી વધારે ભરવા પડશે.
બીજી તરફ, આ ભાવવધારાનો કોંગ્રેસે આકરો વિરોધ કર્યો છે. કોંગ્રેસે જણાવ્યું છે કે, મોંઘવારીમાં પીસાતા લોકો પર આ વધારો અન્યાયી છે. લોકોને સાથે રાખીને કોંગ્રેસ આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન કરશે.

