ગેરરીતિ@દાહોદ: 3.86 કરોડના 2 ટેન્ડરમા 2 એજન્સી વચ્ચે સ્પષ્ટ મિલીભગત, ડીઈઓ અજાણ નથી
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસો ખુદ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ ધામા નાખી આદિજાતિ વર્ગ માટે પ્રેમાણ લાગણી વરસાવી છે. આ સાથે થોકબંધ વિકાસ કામોની તૈયારી બતાવી પરંતુ ભ્રષ્ટાચારના આકાઓએ અહિં દાહોદ જિલ્લામાં કૌભાંડના મૂળિયાં ઉંડા નાખી દીધા છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ગત એપ્રિલ મહિનામાં થયેલ ખરીદીમાં ધોળાં દિવસે નજર સામે ચોરી થતી હોય તેવી ગેરરીતિ થઈ છે. કુલ 2 ટેન્ડરમા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની 2 એજન્સીઓએ રીતસર કામોની વહેંચણી કરી હોય તેમ મિલીભગત આચરી હતી. 2.86 કરોડના 2 ટેન્ડરમા પૂર્વ આયોજિત સેટિંગ્સ, બનાવટી ભાવ હરિફાઈ, વસ્તુઓના અતિ ઉંચા ભાવો છતાં જિલ્લા શિક્ષણાધિકારી મૌન રહ્યા છે. ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર, આંખે દેખતી ગેરરીતિ છતાં ખરીદનાર કચેરી કે તેના વડા કંઈ જોઈ ના શકે અથવા તો શોધી ના શકે તે અશક્ય છે ત્યારે મિલીભગતના આ કૌભાંડની આખી મોડસ ઓપરેન્ડી વાંચો આ અહેવાલમાં.
દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ગત એપ્રિલ 2026 દરમ્યાન ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર બીડ નં. GEM/2026/B/7348613 થી લાઈબ્રેરી સંબંધિત વસ્તુઓ જેવી કે, ટેબલ, ખુરશી, પુસ્તકો સહિતનું રૂ.1,50,00,000નું ટેન્ડર કર્યું હતુ. આ ટેન્ડર સાથે બીજું એક ટેન્ડર જેનો બીડ નં. GEM/2026/B/7348759 હતો અને આ ટેન્ડર હેઠળ રૂ.1,36,00,000 થી રમતગમત અને યોગા સંબંધિત વસ્તુઓ ખરીદવામાં આવી હતી. હવે પ્રથમ ટેન્ડર જે લાઇબ્રેરી સંબંધિત અને બીજું રમતગમત સંબંધિત એમ બંને ટેન્ડરની આર.એ પ્રક્રિયા દરમ્યાન આઇકોન મલ્ટી અને પ્રમુખ જનરલે ભેગા મળીને બનાવટી અને પૂર્વ આયોજિત વલણ ધરાવતી બનાવટી/દેખાડો/નાટ્યાત્મક ભાવ હરિફાઈ કરી હતી. આવું કરીને આઇકોન મલ્ટીએ રૂ.દોઢ કરોડનું ટેન્ડર કબ્જે કર્યું અને રૂ.1.36 કરોડ વાળું ટેન્ડર પ્રમુખ જનરલે કબ્જે કર્યું હતુ. બંને ટેન્ડરમા પૂર્વઆયોજિત મિલીભગત, કામની વહેંચણી અને બનાવટી આર.એ હોવા છતાં દાહોદ ડીઈઓએ આંખ આડા કાન કરી મદદ કરી હતી. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ 2 ટેન્ડર એવા રહ્યા કે, 2 એજન્સીઓ જુદી જુદી પરંતુ જાણે પૂર્વ આયોજિત રીતે કામો ઉપર ટેન્ડર પૂર્વે પોતાનું કામ હોવાનું ઉભું કરી બંને એજન્સીએ આર.એ પ્રક્રિયા દરમ્યાન એકબીજાને મદદગારી કરી સરકારને નાણાંકીય રીતે નુકસાન પહોંચાડી વર્ક ઓર્ડર લીધા હતા. આ સમગ્ર ગેરરીતિ બાબતે દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી અને ટેન્ડર ક્લાર્ક આર.એ દરમ્યાનની બનાવટી ભાવ હરિફાઈ અને અતિ ઉંચા ભાવની જાણકારી હોવા છતાં કોઈને કોઈ આશયથી જુલાઇ 2026મા વર્ક ઓર્ડર આપે છે. આટલુ જ નહિ, ટેબલ ખુરશી સહિતની વસ્તુઓના ભાવ માર્કેટથી અતિશય ઊંચા અને બીડ વેલ્યુ રૂ.1.50 કરોડ સામે વર્ક ઓર્ડર રૂ.1,49,35,500 રકમથી જાય છતાં મૌન રહ્યા હતા. આ જ પરિસ્થિતિમાં રમતગમત,યોગાનુ ટેન્ડર રૂ.1.36 કરોડનું છતાં વર્ક ઓર્ડર રૂ.1,35,92,800 રકમથી થયો છતાં ડીઈઓ ઈરાદાપૂર્વક મૌન રહી મદદગારી કરી છે.

