બનાવ@કચ્છ: મુન્દ્રાના પત્રી ગામના યુવાનની હત્યા કરાઇ હોવાનુ સ્પષ્ટ થયુ ,જાણો વિગતે

 4 વ્યક્તિ સામે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
 
બનાવ@કચ્છ: મુન્દ્રાના પત્રી ગામના યુવાનની હત્યા કરાઇ હોવાનુ સ્પષ્ટ થયુ ,જાણો વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મુન્દ્રાના પત્રી ગામના યુવાનની હત્યા કરાઇ હોવાનુ સ્પષ્ટ થયુ છે. મુન્દ્રા પોલીસે રાજકીય વિવાદમાં યુવકની હત્યામાં સામેલ 4 વ્યક્તિ સામે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીના પરિવારની સભ્ય વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત આ હત્યા પાછળનુ કારણ હોવાનુ સામે આવ્યુ છે. મુન્દ્રાના પત્રી ગામના યુવાનનો 28 ઓક્ટોબરે અકસ્માત થયેલ હાલતમાં કાર નજીક મૃતદેહ મળ્યો હતો.

બનાવની જાણ થતા પોલીસે અકસ્માતની દિશામાં તપાસ શરૂ કરી હતી, પરંતુ પરિવાર અને સમાજે હત્યાની શંકા વ્યક્ત કરી પત્રી ગામના જ પૂર્વ સરપંચની માતા-પિતા સહિત પરિવારના સભ્યો સામે ફરીયાદ નોંધાવી છે. 28 ઓક્ટોબરે મૃતદેહ મળ્યા બાદ પોલીસ હત્યાની તપાસ કરે તેવી માગ સાથે મૃતદેહ સ્વીકારવાનો પણ ઇન્કાર કર્યો હતો. જો કે, પોલીસે ફરીયાદ નોંધતા મૃ્તદેહ સ્વીકારાયો છે. પરિવારે ન્યાયિક તપાસની માગ કરી છે.

ગામ આસપાસ થતી ખનીજ ચોરી અને રાજકીય રીતે સક્રિય યુવક પૃથ્વીરાજસિંહ જાડેજા 28 ઓક્ટોબરે અંજારથી પરત ફરી રહ્યા હતા ત્યારે લોડર વડે અકસ્માત સર્જી ગંભીર ઇજા પહોંચાડી તેની હત્યા કરાઇ હતી. પોલીસે આ મામલે વજીબેન વાલજી ચાડ, વાલજી કરસન ચાડ, નંદલાલ વાલજી ચાડ તથા વીઠ્ઠલ વાલજી ચાડ સામે ફરીયાદ નોંધી છે.

હત્યારા પરિવારની સરપંચ દિકરી સામે થયેલી અવિશ્વાસની દરખાસ્તમાં મૃતકનો હાથ હોવાનું મનદુ:ખ રાખી આ હત્યા કરાઇ હોવાનુ કારણ સામે આવ્યુ છે. સમાજે આ મામલે આરોપી ઝડપી પકડાય અને અન્ય આરોપી હોય તો તેની સામે પણ કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. 

એક સમયે પોલીસ અકસ્માત અંગે તપાસ કરી રહી હતી. જો કે, પરિવારની શંકા અને કેટલીક શંકાસ્પદ બાબતો બાદ સ્પષ્ટ થયુ છે કે યુવકની હત્યા કરી અકસ્માતમાં ખપાવવા પ્રયાસ થયો છે. તેથી પોલીસે 4 સામે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે. રાજકીય અદાવત સાથે ખનીજ ચોરીની ફરીયાદ પણ કારણભુત હોવાની શક્યતા પરિવારે વ્યકત કરી છે. પોલીસે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.