જાગો@સીંગવડ: કેન્દ્ર રાજ્યના ઓફિસરોની ઝીરો મુલાકાતથી કૌભાંડીઓને મજા, આંકડા ચોંકાવનારા
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સીંગવડ તાલુકામાં મનરેગાના કામોમાં ભ્રષ્ટાચાર કરવા/કરાવવા પાછળના અનેક કારણો છે. તેમાં સૌથી મોટો ઈરાદો બોગસ કામો આધારે બેનામી આવક લેવાનો છે પરંતુ આ કૌભાંડીઓને કાયદોનો ડર કેમ નથી તેના કારણો જાણતાં એક મોટો ઘટસ્ફોટ મળ્યો છે. મનરેગાના સ્થળોએ કેન્દ્ર અને રાજ્યના ઓફિસરોની અહીં મુલાકાતોના આંકડા જાણી ચોંકી જશો. મોટા ઓફિસરોએ એક વર્ષ દરમ્યાન મુલાકાતો લીધી જ નથી. તો વળી જિલ્લાના ઓફિસરોની પણ અત્યંત ઓછી મુલાકાતથી કૌભાંડીઓને મજા પડી ગઈ છે. એરિયા ઓફિસર વેબસાઈટના આંકડા જોતાં તાલુકાના અધિકારી/કર્મચારીઓની પણ ખાસ કોઈ વિઝીટ નથી. આ રીપોર્ટ વાંચીને ખબર પડશે કે, કડક અને વધારે મોનિટરીંગના અભાવે બોગસ કામો બેફામ છે.
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં મનરેગાના હજારો કામો થયા છે ત્યારે મનરેગા એક્ટની જોગવાઈ મુજબ કેન્દ્રથી માંડીને રાજ્ય અને જિલ્લાની ટીમે મનરેગાના કામોની સ્થળ મુલાકાત લેવાની હોય છે. એરિયા ઓફિસર સિસ્ટમમાં કેન્દ્ર, રાજ્ય, જિલ્લા અને તાલુકાના અધિકારીઓની મુલાકાતની વિગતો અપલોડ થાય છે. દાહોદ જિલ્લાના અન્ય તાલુકાઓની સરખામણીમાં પણ સીંગવડ તાલુકામાં સ્થળ મુલાકાતો અત્યંત ઓછી છે. એરિયા ઓફિસર વેબસાઇટના આંકડા જોઈએ તો, 1 જાન્યુઆરી 2023થી 1 ઓક્ટોબર 2024 સુધીમાં કેન્દ્ર રાજ્યના ઓફિસરોની સીંગવડ તાલુકામાં કોઈ મુલાકાત નથી. આ સાથે ખુદ દાહોદ જિલ્લા ઓફિસરોની માત્ર 7 મુલાકાત છે. નીચેના ફકરામાં વાંચો કેમ ભ્રષ્ટાચારીઓ બેફામ
સૂત્રોએ જણાવ્યું હતું કે, સીંગવડ તાલુકામાં મનરેગાના હજારો કામો , મોટાભાગના ગામોમાં લેબર મટીરીયલ રેશિયો ભંગ, રોજગારી કરતાં વેપાર વધારે થતો હોવાનું કારણ કેન્દ્ર રાજ્યની મુલાકાતો નહિવત્ છે. જો દરેક ગામે ઓછામાં ઓછી એક મુલાકાત રાજ્ય જિલ્લા ટીમની થાય તો પણ ભ્રષ્ટાચારીઓમાં કાયદાનો ડર આવી શકે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, રાજ્ય કે કેન્દ્રની ટીમ, મછેલાઇ, કટારાની પાલ્લી અને ભૂતખેડી ગામમાં ઉતરી જાય તો એક જ દિવસમાં અસંખ્ય ફરિયાદ દાખલ થાય તેવું કૌભાંડ છે.