ખુલાસો@સાબરકાંઠા: આંબાના રોપા ખરીદીમાં બિનપ્રમાણિત નર્સરીને કરોડોની ખેરાત કોણે કરાવી? સ્પેશ્યલ રિપોર્ટ

હવે લાભાર્થીઓને માથે ઢોળવા દોડધામ મચી છે
 
ખુલાસો@સાબરકાંઠા: આંબાના રોપા ખરીદીમાં બિનપ્રમાણિત નર્સરીને કરોડોની ખેરાત કોણે કરાવી? સ્પેશ્યલ રિપોર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


સાબરકાંઠા જિલ્લાના 5 તાલુકાના અનેક લાભાર્થી ખેડૂતો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કેરી પકવવા આંબાના રોપા જ્યારે ખરીદવામાં આવ્યા હતા ત્યારે બાગાયતી ખેડૂતોને કલ્પના હશે કે, મોંઘાદાટ રોપા મનરેગા હેઠળ ગ્રામ વિકાસ એજન્સી મારફતે મળ્યા છે તે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડના એક્રેડિએશન વગરની નર્સરીના હતા. જ્યારે ચૂકવણું કર્યું હતું ત્યારે તાલુકા પંચાયત અને મનરેગાના જવાબદારોને ભાન હશે તો કેમ બેદરકારી દાખવી? હકીકતમાં સુનિયોજિત રીતે ઈરાદાપૂર્વક ચોક્કસ નર્સરી પાસેથી ખરીદી કરવા ટોચ લેવલથી થયું હોવાનો ગણગણાટ ચાલુ થયો છે. જેથી કરીને એકબીજાનો બચાવ કરવા હવે લાભાર્થીઓને માથે ઢોળવા દોડધામ મચી છે. જાણીએ સમગ્ર અહેવાલ.


મનરેગા યોજના હેઠળ બાગાયતી પાકો માટેની ગાઈડલાઈન અને જોગવાઈ જાણીએ એટલે સાબરકાંઠા જિલ્લા મનરેગાનો રોપા ખરીદી કૌભાંડમાં પર્દાફાશ થાય છે. મનરેગા હેઠળ કોઈપણ વાવેતર માટે સૌપ્રથમ મનરેગા હેઠળની નર્સરી પસંદ કરવી, ત્યારબાદ વનવિભાગની કે સરકારી નર્સરી અને અંતે ખાનગી નર્સરીમાંથી રોપા ખરીદી કરી શકાય. ખાનગી નર્સરીમાંથી રોપા ખરીદી પહેલાં ઉપરની બંને નર્સરીને પ્રાથમિકતા આપવી અને તે માટે પત્રવ્યવહાર કે મિટીંગ કરવી. જો બંને નર્સરીમાંથી શક્ય ના બને તો ખાનગી નર્સરીમાંથી ખરીદી કરવા ડીપીસી મારફતે આગળ વધવું પડે. હવે જો ડીપીસી મારફતે ભાવ નક્કી થયા બાદ ખાનગી નર્સરીમાંથી ખરીદી કરવાની થાય તો નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડનુ એક્રેડિએશન ધરાવતી નર્સરી હોવી જોઇએ. હવે આ જોગવાઈ સામે સાબરકાંઠા જિલ્લાના 5 તાલુકામાં જે વખતે રોપાની ખરીદી થઈ અને બીલો ઓનલાઇન કર્યા તે સમયે સદર નર્સરી નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડનુ એક્રેડિએશન ના હતુ. વાંચો નીચેના ફકરામાં કોણ છે જવાબદારો


સૂત્રોએ જણાવ્યું હતું કે, ભલે બીલો લાભાર્થીઓએ મૂક્યા હોવાનો દાવો થાય પરંતુ બીલો વખતે કેમ તાલુકા મનરેગા કે ડીઆરડીએની મનરેગા શાખાના જવાબદારોએ નર્સરીની ખરાઈ ના કરી ? જાણકારોના મતે, ટોચના સૂબેદારે ઈરાદાપૂર્વક સદર નર્સરીમાંથી ખરીદી કરી લેવા અને મનરેગાની ગ્રાન્ટ તાત્કાલિક એજન્સીને ફાળવી દેવા નિયમો નેવે મૂક્યા હતા. આ બાબત જ્યારે તાલુકામાં ભવિષ્યમાં કોઇ પરેશાની ઉભી કરશે તેવો ગણગણાટ પણ થયો ત્યારે સૂબેદારે જોર લગાવી છેક ફેબ્રુઆરી 2024 માં એક્રેડિએશનનુ પ્રમાણપત્ર તાલુકામાં અપાવી સાચું બોલતાને શાંત કર્યા હતા. જોકે લાભાર્થીઓએ જુલાઈ ઓગસ્ટ 2023થી જાન્યુઆરી 2024 સુધીમાં લગાવેલ રોપા માન્ય વગરની નર્સરીના હતા. આ સમય દરમિયાન એક્રેડિએશન વગરની નર્સરીના રોપા ખરીદીના જવાબદારોમાં સૌપ્રથમ સૂબેદાર અને ત્યારબાદ બીલ પાસ કરનાર ગણી શકાય. આ સિવાય સૌથી પહેલી જવાબદારી કોની તેનો નામજોગ ઘટસ્ફોટ આગામી ન્યૂઝ રિપોર્ટમાં કરીશું.