મર્ડર@વડોદરા: પ્રેમ પ્રકરણની અદાવતમાં ઝઘડો થતા યુવાનની હત્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. વડોદરાના વિશ્વામિત્રી નજીક આવેલા સુભાષનગર-1માં રક્ષાબંધનના પર્વે પ્રેમ પ્રકરણની અદાવતમાં ઝઘડો થતા 19 વર્ષીય યુવાનની હત્યા થઈ છે. ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ડીસીપી ઝોન-2, સી ડિવિઝનના એસીપી પણ બનાવની ગંભીરતા જોતાં સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. હુમલામાં 3 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ મામલે બન્ને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મૂળ રાજસ્થાનના અને હાલ વડોદરાના વિશ્વામિત્રી બ્રિજ નીચે આવેલ મહાકાળી નગરમાં રહેતા શ્રાવણ રમણભાઈ મારવાડી (ઉં.વ.37)એ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી પત્ની સાથે નજીકમાં રહેતા મંગળ ઉર્ફે સત્યમ ધનજીભાઈ ભીલ મારવાડી (રહે. સુભાષનગર-1, વિશ્વામિત્રી બ્રિજ નીચે, વડોદરા) સાથે આશરે દોઢેક વર્ષ અગાઉ આડા સબંધ હતા. જે-તે વખતે અમે અમારા સમાજના માણસોને ભેગા કર્યા હતા અને આ બાબતે અંદરોઅંદર સમાધાન કરી લીધું હતું.
ત્યારબાદ ગઈકાલે 19 ઓગસ્ટના રોજ સાંજના આશરે 6.30 વાગ્યે મંગળ ઉર્ફે સત્યમ મારા ઘરની નજીકમાં આવીને બેઠો હતો અને મારા ઘર તરફ જોયા કરતો હતો. જેથી મેં મારા ભાઈ વિજયને બોલાવી કહ્યું હતું કે, મંગળ સાથે સમાધાન થયું હોય છતાં પણ બે-ત્રણ દિવસથી આપણા ઘર પાસે આવતો જતો હતો. આજે પણ ઘર પાસે બેઠો છે અને મારા ઘર તરફ જોયા કરે છે. જેથી મારો ભાઈ વિજય આવ્યો હતો અને મંગળને વાત કરતા તે ત્યાંથી નીકળી ગયો હતો. મારો ભાઈ વિજય પણ ત્યાંથી નીકળી ગયો હતો.
હું મારા ઘરે હાજર હતો, તે વખતે આશરે 7.30 વાગ્યે મારા ઘરની આગળ નજીકમાં બૂમાબૂમ થતાં હું એકદમ બહાર આવ્યો હતો. તે વખતે મંગળ ઉર્ફે સત્યમ અને તેની સાથે તેના ભાઈ શિવમ ધનજીભાઈ ભીલ મારવાડી, જયદેવ ઉર્ફે રાહુલ ધનજીભાઈ ભીલ મારવાડી અને ઇસુ કનુભાઈ ભીલ મારવાડી (રહે. કલાલી, વુડાના મકાનમાં, ખીસકોલી સર્કલ પાસે, વડોદરા) મારા ભાઈ વિજય અને મારા ભત્રીજા કેશવને ભેગા મળી માર મારતા હતા અને ગાળો બોલતા હતા. જેથી હું દોડતો ત્યાં ગયો હતો, ત્યારે મારો ભાઈ અશોક પણ તેના ઘર બહાર આવી ગયો હતો અને અમે છોડાવવા ગયા હતા. આ દરમિયાન શિવમએ તેના હાથમાં રહેલું ખંજર મારા ભત્રીજા કેશવને છાતીમાં મારી દેતા તે જમીન પર પડી ગયો હતો. તે વખતે મારો ભાઈ વિજય વચ્ચે પડતા શિવમે તેને ડાબા પગના સાથળ પર ખંજર મારી દીધું હતું.
આ વખતે મંગળ ઉર્ફે સત્યમ ધારિયું લઇને આવ્યો હતો અને ધારિયું મારા ડાબા હાથે કાંડા પર માર્યું હતું. હું ખસી જતા મારા ભાઈ વિજયના ડાબા હાથ ૫ર વાગ્યું હતું, જેથી તે ઇજાગ્રસ્ત થયો હતો. મારા ભાઈ અશોકને ઇસુએ લાકડાના ડંડો માથામાં માર્યો હતો, તેમજ જયદેવ ઉર્ફે રાહુલે પણ મને, મારા ભાઈ અશોક અને વિજયને લાકડાના ડંડાથી માર માર્યો હતો. આ સમયે આસપાસના લોકો દોડી આવતા અમને બચાવ્યા હતાં. મારા ભત્રીજા કેશવને એક્ટિવામાં બેસાડીને સયાજી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
બીજી તરફ વિશ્વામિત્રી બ્રિજ નીચે આવેલ સુભાષનગર-1માં શિવમ ભીલે પણ મૃતક કેશવ સહિત ચાર સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, ગઇકાલે સાંજના આશરે 6.30 વાગ્યે મારા ભાઈ મંગળ ઉર્ફે સત્યમભાઈનો ફોન આવ્યો હતો અને મને કહ્યું હતું કે, શ્રાવણ મારવાડીના ઘર પાસેથી પસાર થતો હતો, તે વખતે આ શ્રવણે મને જોઇ ગમે તેમ ગાળાગાળી કરી ઝઘડો કર્યો છે, તું ઘરે આવી જા. તેવી વાત કરતા હું નવાપુરા ખાતેથી મારી રિક્ષા લઈ 7 વાગ્યે મારા ઘરે આવી ગયો હતો.
તે વખતે મંગળ તથા મારો ભાઈ રાહુલ તેમજ મારા ફોઇનો છોકરો ઇસુ કનુભાઇ મારવાડી મારા ઘરે હતા. મેં મારા ભાઈને પૂછતા કહ્યું હતું કે, શ્રાવણની પત્ની સાથે આડા સબંધ બાબતે અગાઉ સમાધાન થઇ ગયું હોવા છતાં સાંજના હું તેના ઘર આગળથી નીકળ્યો હતો, તે વખતે આ બાબતે મારી સાથે ઝઘડો કર્યો હતો. જેથી અમે ચારેય જણા ભેગા થઇને શ્રવણના ઘરે જઇ વાતચીત કરવા ગયા હતા, તે વખતે શ્રાવણનો ભાઈ વિજય રમણભાઈ મારવાડી અને તેનો ભત્રીજો કેશવ વિજયભાઈ મારવાડી બંને બહાર ઊભા હતા. અહીંયાં કેમ આવ્યા છો? તેમ કહી અમારી સાથે બોલાચાલી કરતા મારા ભાઈ મંગળે કહ્યું હતું કે, આપણે અગાઉ સમાધાન થઇ ગયું છે, ત્યાર પછી અમારી વચ્ચે કોઇ બોલચાલના સબંધ નથી. તેમ કહેતા વિજય અને કેશવ ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો બોલી નજીકમાંથી લાકડાના ડંડા લાવી અમને મારવા લાગ્યા હતા.
તે વખતે અશોક ઉર્ફે ઢોલો રમણભાઈ મારવાડી તેના હાથમાં કુહાડી લઇને આવ્યો હતો અને મારા ભાઈ મંગળને માથાના પાછળના ભાગે અને પીઠના ભાગે મારી હતી. આ દરમિયાન શ્રાવણ પણ તેના ઘરમાંથી લાકડી લઇ આવ્યો હતો અને મારા ભાઈ જયદેવ ઉર્ફે રાહુલને મારી હતી અને વિજય મારવાડીએ ડંડાથી મારા ફોઇના દીકરા ઇસુ કનુભાઈ મારવાડીને માર્યો હતો. આ વખતે બૂમાબૂમ થતાં આજુબાજુના માણસો ભેગા થઇ જતા અમને છોડાવ્યા હતા. મારા ભાઈ મંગળ ઉર્ફે સત્યમ અને જયદેવ ઉર્ફે રાહુલને લઇ મારી રિક્ષામાં સયાજી હોસ્પિટલ લઇ ગયો હતો. આ મામલે મેં રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.