ટેકનોલોજી@સુરત: માર્કેટમાં 'બફર ચાર્જર જેકેટ'નો ટ્રેન્ડ, જાણો વધુ વિગતે

સ્પેશિયલ જેકેટમાં 'જાપાનીઝ ટેક્નોલોજી'નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે હીટિંગ ફંક્શનથી સજ્જ છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, દેશક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શિયાળાની ઋતુની શરૂવાત થઇ ગઈ છે. હવામાન વિભાગ દ્વ્રારા શિયાળામાં કડક ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. જેથી લોકોની ઠંડીથી બચવા માટે ખાસ ગરમ કપડાંની ખરીદી શરૂ થઈ ગઈ છે. સુરતમાં તિબેટિયન માર્કેટમાં આ વખતે ખાસ એક ટેક્નોલોજીથી ભરપૂર 'બફર ચાર્જર જેકેટ' લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેકેટમાં વાપરવામાં આવેલી સ્પેશિયલ ટેક્નોલોજીને લઈ ફક્ત 60 સેકેન્ડમાં જેકેટ ગરમ થઇ જાય છે અને કડકડતી ઠંડીમાં પણ હીટરની જેમ ગરમીનો અનુભવ કરાવે છે.

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો માહોલ જામ્યો છે, તેમાં પણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું રહેવાથી રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. દિવસે પણ ઠંડકનો અનુભવ થતા ગુજરાતવાસીઓને શિયાળાની અસરનો અનુભવ થઈ રહ્યો છે. આ ઉપરાંત લઘુતમ તાપમાનમાં પણ એકથી બે ડિગ્રીનો ઘટાડો થવાથી મધરાત્રીએ અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે. આ ઉપરાંત આગામી 5 દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેવાની સાથે ઠંડીનો અનુભવ રહેશે. ત્યારે હવે લોકોએ ગરમ કપડાંની ખરીદી શરૂ કરી દીધી છે.

સુરતના તિબેટિયન માર્કેટમાં લોકોની અવરજવર વધી ગઈ છે. લોકોએ ગરમ ટોપી, શાલ, મફલર, જેકેટ વગેરે ગરમ કપડાંની ખરીદી શરૂ કરી છે. ત્યારે આ વખતે લોકમાં ખાસ જેકેટે આકર્ષણ જમાવ્યું છે. સ્પેશિયલ જેકેટમાં 'જાપાનીઝ ટેક્નોલોજી'નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે હીટિંગ ફંક્શનથી સજ્જ છે. જેકેટની અંદર ખાસ યુએસબી પોર્ટ છે. તેને પાવર બેન્ક સાથે કનેક્ટ કરતાં માત્ર 60 સેકન્ડમાં જેકેટ ગરમ થાય છે અને સખત ઠંડીમાં પણ હીટરની જેમ ગરમીનો અનુભવ કરાવે છે.

'જાપાનીઝ ટેક્નોલોજી'થી સજ્જ આ જેકેટમાં એક બટન છે, જે દબાવતા લાલ લાઇટ ચાલુ થાય છે અને જેકેટ ગરમ થવાનું શરૂ થાય છે. હીટિંગ સિસ્ટમ 5 મિનિટમાં આપમેળે બંધ થઇ જાય છે, જેથી ઓવરહીટિંગ ન થાય. પાવર બેંકના ચાર્જ પર આધાર રાખીને જેકેટ લાંબા સમય સુધી ગરમી પૂરું પાડે છે. જેકેટમાં પાવર બેંક મૂકવાની વિશેષ વ્યવસ્થા છે, જેથી તે સરળતાથી પોર્ટેબલ બની રહે છે.

વિક્રેતા દીપકે જણાવ્યું કે, આ જેકેટ હાલ લોકોમાં આકર્ષણ જમાવી રહ્યું છે. ખાલી બટન દબાવી પાવર બેંક જોડતા તરત જ ગરમીનો અનુભવ થાય છે અને તે કડકડતી ઠંડીમાં પણ આરામદાયક છે. જાપાનની ટેક્નોલોજીથી સજ્જ આ જેકેટની કિંમત 2000 રાખવામાં આવી છે. ડિઝાઇન અને ટેક્નોલોજી બંનેને કારણે, આ જેકેટની ખાસ માગ વર્તાઈ રહી છે. જેકેટના પોકેટમાં USB પોઈન્ટ છે. જેમાં પાવર બેંક મૂકતાની સાથે જેકેટમાં મૂકેલું બટન દબાવો અને તેમાં લાલ લાઈટ ચાલુ થતાંની સાથે જ જેકેટ ગરમ થવાનું શરૂ થઈ જાય છે અને એક મિનિટ સુધી ગરમ થાય છે. પાંચ મિનિટ બાદ બટન આપોઆપ બંધ થઈ જાય છે. એટલે કે પાવર બેંકમાં જેટલો ચાર્જ હશે તેટલા સમય સુધી આ જેકેટ ગરમી આપશે.