દુર્ઘટના@ગુજરાત: બસની અડફેટમાં આવી ગયેલા યુવકનું મોત, સમગ્ર ઘટના જાણો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. પાંડેસરામાં બીઆરટીએસ બસની અડફેટમાં આવેલા યુવકનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. બનાવ અંગે પોલીસે બીઆરટીએસ બસના ડ્રાઈવર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પાંડેસરા કૈલાસ ચોકડી પંચમુખી હનુમાન મંદિર પાસે રાત્રે એક યુવક બીઆરટીએસની રેલીંગ ઓળંગીને રસ્તો ઓળંગતો હતો. ત્યારે પુરપાટ ઝડપે પસાર થતી બીઆરટીએસ બસની અડફેટમાં આવી જતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ ઉશ્કેરાયેલા લોકોએ બસના કાચની તોડફોડ કરી હતી. જેથી ગભરાઈ ગયેલો ડ્રાઈવર બસ મુકી ભાગી ગયો હતો અને પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.
સિવિલ હોસ્પિટલમાં ટુંકી સારવાર બાદ મોડી રાત્રે યુવકનું મોત નિપજ્યું હતું. પોલીસની તપાસમાં યુવક પાંડેસરા સિધ્ધી વિનાયક પ્લેટીનિયમ નજીક ફુટપાથ પર રહેતો અને એમપીનો વતની 36 વર્ષીય દેવસિંહ ઉધમસિંહ કુશ્વાહા હોવાનું સામે આવ્યું હતું. ઈલેક્ટ્રિકનું કામ કરતો દેવસિંહ કોઈક કામ માટે જતો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગે પોલીસે બસના ડ્રાઈવર રમેશ દ્વારકાપ્રસાદ યાદવ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.