દુર્ઘટના@વડોદરા: 26 ઇલેક્ટ્રિક બાઈકોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી

વડોદરા ફતેગંજમાં ડોમિનોઝ પિઝાના આઉટલેટ બહાર પાર્ક બાઇકોમાં આગ, પ્રચંડ ધડાકા થતા લોકોમાં ગભરાટ

 
દુર્ઘટના@વડોદરા: 26 ઈલેક્ટ્રીક બાઇકો બળીને ખાખ, સમગ્ર ઘટના જાણો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા છે. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ જાણીતા પીઝાના આઉટલેટ ઉપર પાર્ક કરેલી 26 ઇલેક્ટ્રિક ડિલિવરી બાઈકોમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ વિકરાળ આગમાં તમામ 26 બાઈકો ગણતરીની મિનિટોમાં ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીમારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

મળેલી માહિતી પ્રમાણે, શહેરના ફતેગંજ સેફ્રોન ટાવર પાસે ડોમિનોઝ પિઝાનું આઉટલેટ આવેલું છે. આઉટલેટની બહાર પાર્ક કરાયેલી 26 ડિલિવરી બાઈકમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથેજ E બાઇકોમાં પ્રચંડ ધડાકા થયા હતા. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ગણતરીની મિનિટોમાં આગની લપેટમાં આવી ગયેલી 26 બાઈકો બળીને ખાખ થઈ ગઈ હતી.

મોડી રાત્રે લાગેલી આગના બનાવવાની જાણ વડોદરા ફાયર બિગેડને કરવામાં આવતા લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ વધુ પ્રસરે નહીં તે માટે પાણીમારો ચલાવીને ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જો કે, આગ સંપૂર્ણ કાબુમાં આવે તે પૂર્વે તમામ બાઇકો હાડપિંજરમાં ફેરવાઈ ગઈ હતી. આ બનાવને પગલે વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

ફતેગંજ વિસ્તારમાં પીઝા આઉટલેટના પાર્કિંગમાં પડેલી 26 બાઈકોમાં લાગેલી આગના પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. E બાઇકોમાં પ્રચંડ ધડાકા થતા હોવાના કારણે વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ આગ કેવી રીતે લાગી છે તેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પરંતુ આગના આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.