વિરોધ@રાજકોટ: ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે ક્ષત્રિય સમાજે રૂપાલા હાય હાયના નારા લગાવ્યા

ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીશું
 
વિરોધ@રાજકોટ: ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે ક્ષત્રિય સમાજે રૂપાલા હાય હાયના નારા લગાવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટમાં આજે વોર્ડ નંબર 16માં કોઠારીયા રોડ ઉપર ભાજપના કાર્યાલયનું ઉદ્દઘાટન હતું. આ તકે પુરુષોત્તમ રૂપાલા પણ ત્યાં ઉપસ્થિત રહેવાના હોવાથી ક્ષત્રિય અસ્મિતા આંદોલનના બેનર સાથે મોટી સંખ્યામાં યુવાનો ત્યાં પહોંચી ગયા હતા. અને રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા. નારેબાજી કરતા ગજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલા સામેનો અમારો વિરોધ આજનો નથી.

જ્યારથી રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે ત્યારથી સમાજ રોષમાં છે. અમે કોઈપણ પ્રશાસન કે રાજકારણીના વિરુદ્ધમાં જતા નથી અને સતત વિરોધ દર્શાવી રહ્યા છીએ.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલાએ નારી અસ્મિતા અંગે જે કાંઈ પણ ટિપ્પણી કરી છે તેની સામે ક્ષત્રિય અસ્મિતા આંદોલન ચાલી રહ્યું છે. જેથી તે બેનર સાથે યુવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. આ વખતે પોલીસે યુવાનોની અટકાયત કરી પરંતુ બાદમાં છોડી મૂકવામાં આવ્યા હતા.

અમે ભાજપના મવડીઓ પાસે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માગણી મૂકી હતી. જો કે, તે માંગણી સ્વીકારવામાં આવી નથી. જેથી અમે ઘરે બેસવાના નથી. અમે આ વિરોધને મતદાનની તારીખ સુધી લઈ જશું અને લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીશું.