રિપોર્ટ@નર્મદા: નાનાં ભુલકાંઓ પાસે ત્રિકમ અને પાવડાથી મજૂરીકામ કરાવવામાં આવ્યું
કામના બદલામાં બાળકોને ચોકલેટ સહિતના પ્રલોભનો અપાતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ડેડીયાપાડાના મોસદામાં આવેલી આશ્રમશાળામાં આદિવાસી બાળકો પાસે બાળ મજૂરી કરાવાઈ રહી છે. ત્યારે આ મુદ્દે નર્મદા જિલ્લા આશ્રમશાળા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સંયુક્ત રીતે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે એવી માગ ઉઠી છે. સ્વ.રત્નસિંહ મહિડાએ આદિવાસીઓ શિક્ષિત બને એ માટે આ વિસ્તારમાં આશ્રમશાળાઓ સ્થાપી છે. ત્યારે હાલમાં અહીંયા આદિવાસી બાળકોની હાલત કફોડી બની છે. આ આશ્રમશાળા હાલ તો બાળમજૂરીનું કેન્દ્ર બન્યું છે એમ કહીએ તો ખોટું નથી.
ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ રાજપીપળા સંચાલિત ડેડીયાપાડાના મોસદા ખાતે આવેલી મહાત્મા ગાંધી આશ્રમશાળામાં આચાર્યની હાજરીમાં બાળકો પાસે ત્રિકમ અને પાવડા વડે મોટામોટા ખાડા ખોદાવી પ્લંબિંગનું કામ અને બાળમજૂરી કરાવાઈ રહી હોવાની એક અત્યંત દયનિય ઘટના સામે આવી છે. બાળ મજૂરી કરાવવી એક મોટો ગુનો છે અને એને અટકાવવા માટે સરકાર કમર કસી રહી છે. તો બીજી બાજુ શિક્ષકો જ જ્યારે શાળામાં ભણતા બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ બાળમજૂરી કરાવી રહ્યા હોય તો એ ખરેખર નિંદનીય કહેવાય. કદાચ આવા જ શિક્ષકોને લીધે આદિવાસીઓમાં શિક્ષણનું પ્રમાણ ખુબ ઓછું હોવું જોઈએ એમ કહી શકાય.
મોસદા આશ્રમશાળામાં બાળકો પાસે બાળમજૂરી કરાવવાના બદલામાં ચોકલેટ સહિત અન્ય પ્રલોભનો અપાય છે, શિક્ષકો નિયમિતપણે હાજર રહેતા નથી એવી ચર્ચાઓ ચાલી રહી છે. તો બીજી બાજુ આ આશ્રમશાળા પણ અત્યંત જર્જરિત હાલતમાં છે. ત્યારે આ તમામ મુદ્દે આશ્રમશાળાના આચાર્ય ભુપેન્દ્ર ત્રિવેદીનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો પણ એમનો ટેલીફોનીક સંપર્ક થઈ શક્યો ન હતો.
નર્મદા જિલ્લા આશ્રમશાળા અધિકારી રવીન્દ્ર વસાવાએ જણાવ્યું હતું કે, બાળકોને કામ કરાવાય જ નહિ, બાળમજૂરીનો કાયદો લાગે. અમે જર્જરિત આશ્રમશાળાઓ મુદ્દે ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘને નોટિસ પણ આપીશું. આ બાબતે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ બાબતે નર્મદા જિલ્લા બાળ કલ્યાણ સમિતિ ચેરમેન ભાઈલાલ પરમારે જણાવ્યું હતું કે, ભણતા બાળકો પાસે આવી કામગીરી ન કરાવાય. આ બાબતે લાગતા વળગતા અધિકારીને જાણ કરી અમે અને અમારી ટીમ ત્યાં તપાસ માટે મોકલીશું. કસુરવારો સામે કડકમાં કડક પગલાં લેવા ભલામણ કરીશું.