યાદી@ગુજરાત: ગુજરાતમાં 4.48 કરોડ મતદારો, નવી યાદી જાહેર

તમારું નામ યાદીમાં છે? તરત ચેક કરો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતમાં આગામી ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ દ્વારા ફોટો મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SSR-2027) અંતર્ગત રાજ્યની એકીકૃત મુસદ્દા મતદાર યાદી શુક્રવારે (27 નવેમ્બર) પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ યાદી મુજબ રાજ્યમાં કુલ *4,48,77,288 મતદારો* નોંધાયા છે. જેમાં *2,30,90,067 પુરુષ, 2,17,86,150 મહિલા અને 1,071 થર્ડ જેન્ડર* મતદારોનો સમાવેશ થાય છે. ગત આખરી મતદાર યાદીની સરખામણીએ રાજ્યમાં *8,46,563 મતદારોનો ચોખ્ખો વધારો* થયો છે.

*નવી ડ્રાફ્ટ યાદીમાં 4.48 કરોડ મતદારો*

વિગતો સંખ્યા

કુલ મતદારો 4,48,77,288

પુરુષ 2,30,90,067

મહિલા મતદારો 2,17,86,150

થર્ડ જેન્ડર 1,071

અગાઉના વર્ષના કુલ મતદાર 4,40,30,725

વધારો 8,46,563 (1.92%)

હક્ક-દાવા અને વાંધાની છેલ્લી તારીખ 26 ડિસેમ્બર, 2026

આખરી યાદીની તારીખ 18 જાન્યુઆરી, 2027

*એક વર્ષમાં મતદારોની સંખ્યામાં 1.92 ટકાનો વધારો*

ચૂંટણી પંચ દ્વારા 17 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદીમાં ગુજરાતમાં કુલ 4,40,30,725 મતદારો નોંધાયેલા હતા. જ્યારે 27 નવેમ્બર, 2026ના રોજ પ્રસિદ્ધ થયેલી નવી મુસદ્દા યાદીમાં આ સંખ્યા વધીને 4,48,77,288 થઈ છે. એટલે કે અગાઉની યાદીની સરખામણીએ 1.92 ટકાનો વધારો થયો છે.

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે મળેલા અને મંજૂર થયેલા ફોર્મ-6, ફોર્મ-6A તથા ફોર્મ-8 (સ્થળાંતર)ની સંખ્યા 12,01,184 છે. જ્યારે નામ કમી કરવા માટે ફોર્મ-7 અને ફોર્મ-8 હેઠળ કુલ 3,54,621 અરજીઓ મંજૂર કરવામાં આવી છે.

*26 ડિસેમ્બર સુધી નામ ઉમેરવા અને સુધારા માટે તક*

મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ હવે નાગરિકો માટે હક્ક-દાવા અને વાંધા રજૂ કરવાનો તબક્કો શરૂ થયો છે. *27 નવેમ્બરથી 26 ડિસેમ્બર, 2026 સુધી* નાગરિકો મતદાર યાદીમાં પોતાનું નામ અને વિગતો ચકાસી શકશે. જો નામ ન હોય, વિગતોમાં ભૂલ હોય અથવા સરનામાંમાં ફેરફાર કરાવવો હોય તો નિયત ફોર્મ ભરીને અરજી કરી શકાશે.

*મતદારયાદીમાં ક્યા કામ માટે ક્યું ફોર્મ?*

- *ફોર્મ-6:* મતદાર યાદીમાં નવું નામ દાખલ કરાવવા.

- *ફોર્મ-6A:* વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોનું નામ નોંધાવવા.

- *ફોર્મ-7:* મતદાર યાદીમાં નામ સામે વાંધો લેવા અથવા નામ કમી કરાવવા.

- *ફોર્મ-8:* સરનામું બદલવા, નામ-વિગતોમાં સુધારો કરવા, ડુપ્લિકેટ EPIC મેળવવા અથવા દિવ્યાંગ મતદાર તરીકે નોંધણી કરાવવા.

*ત્રણ રવિવારે BLO મતદાન મથકો પર હાજર રહેશે*

નાગરિકોને અરજી કરવામાં સરળતા રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા ત્રણ ખાસ ઝુંબેશ દિવસો જાહેર કરવામાં આવ્યા છે. આ દિવસોમાં બૂથ લેવલ ઓફિસર (BLO) સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન મથકો પર હાજર રહેશે.

- *29 નવેમ્બર, 2026*

- *6 ડિસેમ્બર, 2026*

- *13 ડિસેમ્બર, 2026*

આ દિવસોમાં નાગરિકો પોતાના મતદાન મથક પર જઈને મતદાર યાદી ચકાસી શકશે અને જરૂરી અરજી પણ રજૂ કરી શકશે.

*2027માં 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો પણ અરજી કરી શકશે*

ચૂંટણી પંચે ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને મતદાર તરીકે નામ નોંધાવવા અપીલ કરી છે. *1 જાન્યુઆરી, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા* નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા પાત્ર છે. આ ઉપરાંત વર્ષ 2027માં 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબરના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા સંભવિત યુવા મતદારો પણ અગાઉથી અરજી કરી શકશે.

*ઓનલાઈન પણ નામ ચકાસી અને અરજી કરી શકાશે*

મતદારો ચૂંટણી પંચના વોટર્સ સર્વિસ પોર્ટલ https://voters.eci.gov.in અથવા ECINET મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે. આ ઉપરાંત મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઈટ https://ceo.gujarat.gov.in પર પણ મુસદ્દા મતદાર યાદી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નાગરિકો સંબંધિત ERO કચેરી અથવા નિયત મતદાન મથક પર જઈને પણ યાદી ચકાસી શકશે.

*EROના નિર્ણય સામે અપીલની પણ જોગવાઈ*

મતદાર નોંધણી અધિકારી (ERO) દ્વારા આપવામાં આવેલા કોઈ હુકમ સામે અસહમત નાગરિક જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે જિલ્લા કલેક્ટર સમક્ષ પ્રથમ અપીલ કરી શકશે. ત્યારબાદ પ્રથમ અપીલના નિર્ણય સામે મુખ્ય નિર્વાચન અધિકારી (CEO), ગુજરાત સમક્ષ બીજી અપીલ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

*18 જાન્યુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે*

મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત દ્વારા તમામ નાગરિકોને ખાસ કરીને યુવાનો, પ્રથમ વખતના મતદારો, થર્ડ જેન્ડર, દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોને મતદાર યાદીમાં પોતાનું નામ અને વિગતો ચકાસવા અપીલ કરવામાં આવી છે. હક્ક-દાવા અને વાંધાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ *18 જાન્યુઆરી, 2027ના રોજ* ગુજરાતની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.