ખળભળાટ@તંત્ર: નાયબ કલેક્ટર અને અધિક્ષક 3 લાખની લાંચ લેતાં ઝબ્બે, ઓફિસમાં જ પકડાયા મેડમ

સરકારને નાણાંકીય નુકસાન આપી લાંચ લેવાનું ગોઠવાયું પરંતુ ફરિયાદીએ આપેલી રજૂઆત બાદ સૌથી મોટો ખુલાસો થયો છે. 
 
ખળભળાટ@તંત્ર: નાયબ કલેક્ટર અને અધિક્ષક 3 લાખની લાંચ લેતાં ઝબ્બે, ઓફિસમાં જ પકડાયા મેડમ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

આજે એસીબીએ અચાનક સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખળભળાટ મચી જાય તેવી ટ્રેપ સફળ કરી છે. નાયબ કલેક્ટર મેડમ અને તેમની કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક અધધધ....3 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ જતાં વહીવટી તંત્રમાં ચકચાર મચી ગઇ છે. સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કર્યું હોવાનું શોધી અધિકારીએ વચલો રસ્તો કરી આપ્યો હતો, તેમાં સરકારને નાણાંકીય નુકસાન આપી લાંચ લેવાનું ગોઠવાયું પરંતુ ફરિયાદીએ આપેલી રજૂઆત બાદ સૌથી મોટો ખુલાસો થયો છે. ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનું ચલણ ઝડપી આપવા સહિતનું સેટિંગ્સ પાડ્યું અને કુલ 2 મકાનના કામ પેટે 3 લાખની માંગણી થઈ હતી. જોકે ફરીયાદ આધારે ગાંધીનગર એસીબીએ આજે પાલનપુર સ્થિત જિલ્લા સેવા સદનમાં આવેલ સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીમાં ત્રાટકી અધિકારી મેડમ અને પ્લાનિંગ આસીસ્ટન્ટને પકડી લીધાં હતા. જાણીએ સમગ્ર અહેવાલ.

બનાસકાંઠા જિલ્લાના વડા મથક પાલનપુર ખાતે આવેલ જિલ્લા સેવા સદન-2 માં સ્ટેમ્પ ડ્યુટી, નાયબ કલેક્ટરની ઓફિસ આવેલી છે. અહિં કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક તરીકે ઇમરાનખાન બિસ્મીલ્લાખાન નાગોરી, પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-3 છે જ્યારે અંકીતાબેન બાબુલાલ ઓઝા, નાયબ કલેક્ટર છે. હવે એસીબીની ટ્રેપ મુજબ ઘટના એવી છે કે, જાગૃત નાગરિક એવા ફરીયાદીના મિત્રના બે પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવ્યું હતુ. આ બાબતે નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી કચેરીને ધ્યાને આવતાં બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી તેમજ ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનુ ચલણ ઝડપથી આપવા સોદાબાજી થઈ હતી. જેમાં એક મકાનના રૂ.1,50,000 લેખે બે મકાનના રૂ.3,00,000/ની લાંચ પેટે માંગણી થઈ હતી. ખુદ નાયબ કલેક્ટર ઓઝાના કહેવાથી ઇન્ચાર્જ કચેરી અધિક્ષક ઈમરાન નાગોરીએ લાંચની માંગણી કરી હતી. જોકે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ના હોય એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. 


સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાંધીનગર એસીબીએ ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીમાં આજે સૌથી મોટી ઘટના બની ગઈ છે. ઇન્ચાર્જ કચેરી અધિક્ષક ઈમરાનખાને ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાં 3 લાખ સ્વિકારી આ રૂપિયા નાયબ કલેક્ટર ઓઝા મેડમનાઓની ચેમ્બરમાં આપ્યા પછી મહા ઘટસ્ફોટ થયો હતો. એસીબીએ નાયબ કલેક્ટર ઓઝા અને પ્લાનિંગ આસીસ્ટન્ટ નાગોરીને એકબીજાની મદદગારી કરી, સ્થળ ઉપર પકડાઇ જઇ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દૂરૂપયોગ કરી, ગુનાહીત ગેરવર્તણુક કરી ગુનો કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે નોંધી એસીબીએ અટકાયત કરી છે. આ ઘટનામાં ટ્રેપીંગ ઓફીસર તરીકે એચ.બી.ચાવડા ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીનગર અને સુપરવિઝન અધિકારી તરીકે એ.કે.પરમાર મદદનીશ નિયામક 
ગાંધીનગર એ.સી.બી. એકમ હતા.