ધાર્મિક@અંબાજી: આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ, રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું માઈ ધામ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજથી અંબાજીમાં મહામેળાની શરૂવાત થઇ ગઈ છે. શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ આજથી શરૂ થવા જઈ રહ્યો છે. આજે ભાદરવી આઠમે યાત્રાધામના સિંહદ્વાર પાસે સવારે 9:00 કલાકે વિધિવત રૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના હાથે મહામેળાને ખુલ્લુ મુકવામાં આવશે. યાત્રાધામ અંબાજી ખાતે તારીખ 12 સપ્ટેમ્બરથી લઈને 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો યોજવાનું છે. ત્યારે આજે વહેલી સવારે મંગળા આરતીમાં ભક્તોનો મહાસાગર અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યો હતો અને જગતજનની મા અંબાના દર્શન કરી ધન્ય બન્યા હતા.
આજથી શરૂ થતાં ભાદરવી મહાકુંભમાં મોટી સંખ્યામાં માઈભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી તરફ આવી રહ્યો છે અને મા જગતજનની અંબાના મંદિરમાં પહોંચી રહ્યો છે. આજે અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોનો જમાવડો ઉમટ્યો હતો. જગતજનની મા અંબાના મંદિરમાં માતાજીના દર્શન કરી માઈભક્તો ધન્યતા અનુભવી રહ્યાં છે.
ભાદરવી મહામેળાને લઈને યાત્રાધામ અંબાજીને રંગબે્રંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. અંબાજીના તમામ રોડ-રસ્તા ઉપર લાઇટિંગ કરવામાં આવી છે. તો સાથે સાથે અંબાજી મંદિરમાં રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે. સમગ્ર અંબાજી મંદિર પરિસર, ચાચરચોક અને મંદિરને લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે. અંબાજી આવતા તમામ માઇભક્તો આ અલૌકિક અને અદભુત રોશનીને જોઈ આનંદની અનુભૂતિ કરી રહ્યા છે.
દરમિયાન લાખોની સંખ્યામાં માઇભક્તો પગપાળા સંઘો લઈને અંબાજી પહોંચે છે અને જગતજનની મા અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે.આગામી સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે. રસ્તામાં માઇભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ લોકો દ્વારા ઠેરઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. સાત દિવસના આ મહામેળામાં વહીવટી તંત્ર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવાઇ છે. જેથી યાત્રાળુઓને કોઈપણ અગવડતા ન સર્જાય અને સરળતાથી માતાજીના દર્શન કરી શકે તેવી અનેક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.
મા અંબાને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવવા માટેના સાત દિવસીય ઉત્સવમાં દૂરદુરના અંતરેથી લાખો શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠીને પણ નીજ અંબાના ધામ પહોંચશે. ત્યારે ભકતોની સેવા, સુવિધા અને સુરક્ષા માટે વહિવટી તંત્ર સજજ બન્યું છે. મહામેળાને લઇ માતાજીનું મંદિર સહિત યાત્રાધામ, માર્ગો અને શક્તિ પીઠ ગબ્બરને પણ આકર્ષક રોશનીથી સજાવવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ યાત્રિકોની સુરક્ષા માટે પણ માઇક્રો પ્લાનિંગ કરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ભાદરવી પૂનમનો મેળો શરૂ થયાના એક દિવસ પહેલા જ અંબાજી મંદિરમાં ભક્તોનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં પદયાત્રી સંઘો સેંકડો કિલોમીટર ચાલીને મા અંબાના ધામ અંબાજી ખાતે પહોંચ્યા હતા. ત્યારે ગઈકાલે સાંજની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને આરતીનો લાભ પણ લીધો હતો. ગઈકાલે અમદાવાદથી આવેલા વ્યાસવાડી પગવાળા સંઘના ભક્તોએ ચાચરચોકમાં ગરબા રમ્યા હતા અને 52 ગજની ધજા પણ મંદિરના શિખર ઉપર ચઢાવવામાં આવી હતી.
ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ ધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે વર્ષે ભાદરવા સુદ આઠમથી પૂનમ સુધી મા આદ્યશક્તિ અંબાજી માતાજીનો પવિત્ર મહામેળો યોજાય છે. જ્યાં દેશ-વિદેશથી લાખો ભક્તો મેળામાં પધારે છે, જ્યારે અનેક શ્રદ્ધાળુઓ પગપાળા અને સંઘ લઈને માતાજીનાં દર્શન કરવા આવે છે. ત્યારે શું તમે પણ ભાદરવી પૂનમના મહામેળામાં ગયા છો અથવા તો જવાનું વિચારી રહ્યા છો પણ કઈ રીતે પહોંચવું, ક્યાં પાર્કિંગ કરવું, દર્શનનો સમય શું હશે, પ્રસાદ કેન્દ્ર અને ભોજનાલયની સુવિધા ક્યાં કરવામાં આવી છે, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને સાંસ્કૃતિ કાર્યક્રમો ક્યાં યોજાશે, વિશ્રામગૃહ ક્યાં આવેલો છે અને અંબાજીના 10 બસ સ્ટેન્ડમાંથી તમને તમારી બસ કયા સ્ટેન્ડ પરથી મળશે?...
આ પ્રશ્નો તમને મૂંઝવી રહ્યા છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દિવ્ય ભાસ્કર આ તમારી તમામ મૂંઝવણો હલ કરશે. દિવ્ય ભાસ્કરના આ ખાસ અહેવાલમાં ગ્રાફિક્સની મદદથી જાણો કઈ રીતે ફરશો તમે આ ભાદરવી પૂનમના મહામેળમાં. અને હા તમારા કોઈ મિત્ર અથવા તો સગાંસંબંધીઓ અંબાજીના મેળામાં જવાના હોય તો તેમને આ સમાચાર અચૂકપણે શેર કરી દો.
ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. ત્યારે મોટી સંખ્યામાં આવતા ભક્તોને માતાજીનાં દર્શન સરળતાથી થઈ શકે અને કોઈપણ અગવડતા ન થાય તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરનાં દર્શન સમયમાં વધારો કરાયો છે. 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન માઈભક્તો સવારે 6:00 વાગ્યાથી લઈને રાત્રિના 12 વાગ્યા સુધી માતાજીનાં દર્શનનો લાભ લઈ શકશે.
અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા.12/09/2024 થી 18/09/2024 દરમિયાન યોજાવાનો છે. મુસાફરોની સુવિધા માટે મેળામાં એસ.ટી.ના 4 વિભાગો દ્વારા સંચાલન કરવામાં આવે છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારમાંથી આવતા ભાવિકોને અનુકૂળ સુવિધા મળી શકે તેને ધ્યાને રાખી અંબાજી ખાતે 10 હંગામી બૂથો ઊભા કરી કુલ 1000થી 1100 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે.
અંબાજી મહામેળામાં આવતા તમામ માઈભક્તોને મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ નવી કોલેજ ખાતે જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં બની રહ્યો છે. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા 1000 ઘાણ એટલે કે 3 લાખ 25 હજાર કિલો મોહનથાળ બનાવવાનું આયોજન છે. આ મોહનથાળ બેસન, દૂધ, બનાસ ઘી, ખાંડ, ઈલાયચીથી બની રહ્યો છે. પ્રસાદ બની ગયા બાદ તેને ચોકીમાં પાથરવામાં આવે છે. ત્યાર બાદ બોક્સમાં પેકિંગ કરવામાં આવે છે અને પછી મંદિરમાં અને અલગ અલગ પ્રસાદ પોઇન્ટ ઉપર વેચાણ અર્થે મૂકવામાં આવી રહ્યું છે.