વરસાદ@વડોદરા: વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 14 ઇંચ વરસાદ ખાબક્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લાબા સમય વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે 26 ઓગસ્ટના વડોદરા શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી હતી. જેને લઇને સવારે 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં વડોદરા શહેરમાં સાડા નવ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગત જુલાઈ મહિનામાં રેડ એલર્ટને પગલે શહેરમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે સમગ્ર વડોદરા જળમગ્ન બન્યું હતું. ત્યારે આજે ફરીથી વડોદરામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આજે પણ શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે વડોદરામાં ફરી પૂરનું સંકટ ઉંભુ થયું છે. હાલ વિશ્વામિત્રી નદીએ પોતાની ભયજનક સપાટી વટાવતા શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે.
વડોદરા શહેરમાં સાંજે 4 વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો. જે સવારે 6 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. પરંતુ આજે રેડ એલર્ટના પગલે સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે. સવારે 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં વડોદરાના 242 મીમી એટલે કે, સાડા નવ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે જિલ્લામાં સૌથી વધુ દેસરમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.