ઘટના@ગુજરાત: દીકરી પાસેથી માતાએ મોબાઈલ લઈ લેતાં સગીરાએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

દરવાજો તોડતા પુત્રી લટકતી જોવા મળી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલ બામણબોર જીઆઈડીસીમાં રહેતી 16 વર્ષની સગીરાને તેના યુવક મિત્રએ આપેલો મોબાઈલ માતાએ લઈ લેતાં આઘાતમાં સરી પડેલી સગીરાએ ઓરડીમાં જ ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં એરપોર્ટ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


બામણબોર જીઆઈડીસીમાં રહેતી પ્રાચી રમેશભાઈ તૈલી (ઉં.વ.16) નામની તરૂણીએ ગઈકાલે તેમના માતા-પિતા કામ પર ગયા બાદ પોતે ઘરે એકલી હોય ત્યારે ઓરડીમાં જ ચુંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સાંજના સમયે કામ પરથી તેણીના માતા-પિતા ઘરે આવતાં ઓરડીનો દરવાજો અંદરથી બંધ હતો, જે ખખડાવવા છતાં પુત્રીએ દરવાજો ન ખોલતાં દરવાજો તોડી અંદર જઈ તપાસ કરતાં પુત્રી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા આક્રંદ મચાવ્યો હતો.


બનાવ અંગે પડોશીઓએ 108ને જાણ કરતાં 108ની ટીમે તરૂણીને તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે જાણ થતાં એરપોર્ટ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે કુવાડવા હોસ્પિટલે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક તરૂણીને કોઈ યુવક મિત્રએ બંનેને વાત કરવા માટે મોબાઈલ આપ્યો હતો. જેથી તરૂણી તેમાં જ વ્યસ્ત રહેતી હતી. બાદમાં ગઈકાલે સવારે તેની માતાએ તે મોબાઈલ લઈ લીધો હતો. તેનું માઠું લાગી આવતા અંતિમ પગલું ભરી લીધાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતકનો પરિવાર મૂળ રાજસ્થાનનો વતની છે.