ચોમાસું@છોટાઉદેપુર: છેલ્લા 24 કલાકમાં 128 તાલુકામાં વરસાદ ઓરસંગ નદી બેકાંઠે, જળબંબાકાર

છેલ્લા 24 કલાકમાં 128 તાલુકામાં વરસાદ નોધાયો છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત  રાજ્યમાં મેઘરાજાનું તાંડવ.રજ્યમાં  ફરી વાર વરસાદી માહોલ  જોવા મળી રહ્યો છે.રાજ્યમાં ફરીથી ચોમાસાનું જોર વધ્યુ છે. છેલ્લા 24 કલાકમાં 128 તાલુકામાં વરસાદ નોધાયો છે. હવામાન વિભાગ પાસેથી મળતા આંકડા પ્રમાણે, સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. છોટાઉદેપુરના જેતપુરપાવીમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.હવામાન વિભાગના 24 કલાકના વરસાદી આંકડા પ્રમાણે, 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ છોટાઉદેપુરના જેતપુરપાવીમાં 8.36 ઇંચ, છોટાઉદેપુરના બોડેલીમાં 7.8 ઇંચ, જાંબુધોડામાં 6 ઇંચ, છોટાઉદેપુરમાં ચાર ઇંચ વરસાદ નોંધાયા છે. આ સાથે નર્મદાના તિલકવાડા, સંખેડા, ડભોઇ, શિનોરમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. વલસાડના કપરાડા, આણંદના બોરસદ, નસવાડીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે જીવાદોરી ઓરસંગ નદી બે કાંઠે થઇ છે. બોડેલી નજીક ઓરસંગનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. નર્મદા કેનાલ નીચેથી પસાર થતી ઓરસંગ નદીનો ડ્રોનનો અદભુત નજારો જોવા મળ્યો છે. નર્મદા એકવડેક ઉપર આહલાદક દ્રશ્યો સર્જાયા છે. હાલ જિલ્લામાં વરસાદે વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.ઉપરવાસમાં ભારે વરસાદ થતા દાંતીવાડા ડેમના 6 દરવાજા ખોલી બનાસ નદીમાં 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 599.35 ફૂટ એટલે કે ડેમ 86.62 ટકાથી વધુ ભરાયેલ છે. ડેમની ફૂલ કેપેસિટી 604 ફૂટની છે એટલે કે, ડેમ પૂર્ણ સપાટી નજીક ભરાતા બનાસ નદીમાં પાણી છોડાયું. નાંદોત્રા ઠાકોરવાસ, નાંદોત્રા બ્રાહ્મણવાસ અને સિકરીયા, ડીસા તાલુકાના 18 ગામો અને કાંકરેજના 3 ગામોને હાઇએલર્ટ જાહેર કરાયા છે. નદીના પટમાં અવર-જવર નહીં કરવા જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે.હવામાન વિભાગ આગામી દિવસોમાં વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યભરમાં હળવો વરસાદ રહેવાની શક્યતા છે. આ પછી 30મી જુલાઈથી વરસાદમાં ઘટાડો થશે અને કેટલાક ભાગોમાં જ હળવો વરસાદ કે થંડરસ્ટ્રોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે. જ્યારે 31મી જુલાઈએ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ અને દિવમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે.આ સાથે હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ કે, ઓગસ્ટ મહિનાની શરુઆતમાં પણ મેઘરાજા જોર બતાવે તેવી સંભવાનાઓ છે. હવામાન વિભાગે હળવાથી સામાન્ય કે થંડરસ્ટ્રોર્મ એક્ટિવિટી થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ અને દિવમાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

2 અને 3 ઓગસ્ટ દરમિયાન પણ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ અને દિવમાં હળવાથી સામાન્ય કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે, ત્યારે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની હેલી વરસી છે. છોટા ઉદેપુરમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. અહીં મેઘરાજાએ વહેલી સવારથી જ દે ધનાધન બેટિંગ શરૂ કરી દીધી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે.