ચૂંટણી@ગુજરાત: લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ માટે પ્રચાર કરવા મુમતાઝ પટેલ કામે લાગ્યા

 મુમતાઝ પટેલનો પ્રચાર ધમધમાટ

 
ચૂંટણી@ગુજરાત: લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ માટે પ્રચાર કરવા મુમતાઝ પટેલ કામે લાગ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. પાર્ટીઓ પ્રચાર કરી રહી છે.  નવસારી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ માટે પ્રચાર કરવા અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ કામે લાગ્યા છે. છેલ્લા બે દિવસથી નવસારી લોકસભા બેઠક માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનને કારણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું સીટ શેરિંગ થયું છે. જેમાં ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીએ માગી હતી અને તેના પર પોતાના ઉમેદવાર ચૈતર વસાવાને ઉતાર્યા છે. આ બેઠક ઉપર મુમતાઝ પટેલે પોતાની દાવેદારી પણ નોંધાવી હતી. પરંતુ ગઠબંધનને કારણે આ સીટ આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. મહત્ત્વની બાબત એ છે કે, ભરૂચ લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી માટે વોટ માંગવા એકપણ વખત મુમતાઝ પટેલ દેખાયા નથી. આજે નવસારી લોકસભા બેઠક ઉપર પ્રચાર કરવા આવ્યા ત્યારે પત્રકાર સાથે વાતચીતમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, ચૈતર વસાવાએ મને પ્રચાર માટે બોલાવી નતી અને મારા માટે મારો પક્ષ અને મારા ઉમેદવારો વધારે મહત્ત્વના છે. અને તેના કારણે હું અત્યારે તેમનો પ્રચાર પ્રસાર કરી રહી છું. આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભા બેઠક ઉપર ખૂબ જ સારી રીતે તૈયારી કરી રહી છે. પરંતુ હું ત્યાં ગઈ નથી અને હવે પછીના મારા શિડ્યુલ નક્કી હોવાથી હું ત્યાં પ્રચાર કરવા માટે જઈ શકીશ નહીં.


મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના આર્થિક વિકાસની વાતો કરી રહ્યા છે. સુપર પાવર બનવા દેશ જઈ રહ્યો છે. ઇકોનોમિ ગ્રોથમાં વિશ્વની મોટી આર્થિક મહાસત્તાઓ સુધી પહોંચી રહી છે. એવી વાતો કરવાને બદલે હવે તેઓ ફરી એક વખત મંગળસૂત્ર અને હિન્દુ-મુસ્લિમ ઉપર આવી ગયા છે. 2012માં આપણે વિશ્વની પાંચમી આર્થિક સત્તા હતી. અત્યારે પણ દેશનો પરચેસિંગ પાવર વધ્યો છે અને લોકો આર્થિક રીતે આગળ વધી રહ્યા છે તો કોઈપણ વડાપ્રધાન હોય દેશ આ રીતે જ આગળ વધશે.


ઉલ્લેખનીય છે કે, નવસારી લોકસભા બેઠકનો વિસ્તાર સુરત, વલસાડમાં વહેંચાયેલો હતો. 2008માં નવું સીમાંકન થયું ને એ પછી 2009થી નવસારી બેઠક અસ્તિત્વમાં આવી. જ્યારથી આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી ત્રણ ટર્મથી ભાજપના સીઆર પાટીલ સાંસદ તરીકે ચૂંટાય છે. 2019માં સૌથી વધારે લીડથી જીતીને તેમણે દેશનું ધ્યાન ખેચ્યું હતું. ત્રણ જીત પછી સી આર પાટીલનું ભાજપમાં કદ વધ્યું છે. અત્યારે તે ભાજપના પ્રદેશ પ્રમુખ છે અને હવે તેમને ચોથી વખત ટિકિટ આપવામાં આવી છે. સી આર પાટીલની સામે કોંગ્રેસે પક્ષના નેતા નૈષધ દેસાઈને મેદાનમાં ઉતાર્યા છે. દેસાઈ પણ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. નવસારી બેઠક પર તેમને પહેલીવાર ટિકિટ મળી છે.