મર્ડર@અમદાવાદ: 70 વર્ષીય વૃદ્ધ મહિલાનું ગળું દબાવી હત્યા કરવામાં આવી, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે.
 
વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર મર્ડરની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મર્ડરના બનાવો જોવા મળે છે.  અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં એક વૃદ્ધાની હત્યા કરવામાં આવી છે. 70 વર્ષીય વૃદ્ધાનું ગળું દબાવી હત્યા નીપજાવી હતી. મૃતદેહ મળી આવ્યો તે સમયે વૃદ્ધાના ગુપ્ત ભાગો પર ઇજા થયેલી હતી તેમજ આંખ, નાક અને કાનમાંથી લોહી નીકળતું હતું. સમગ્ર મામલે ફરિયાદને આધારે વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નરોડા જીઆઈડીસીમાં આવેલી પાણીની ટાંકી પાસે એક અજાણી વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ વૃદ્ધાને ઓળખી લેતા મૃતક વૃદ્ધાના દીકરીને જાણ કરવામાં આવી હતી. મૃતક વૃદ્ધાના દીકરી ઘટનાસ્થળ પર પહોંચતા ત્યાં મૃતક માતાનો ગળે કપડા વડે ટૂંપો દીધેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો સાથે જ તેમના ગુપ્ત ભાગમાં પણ ઇજાઓ હતી અને આંખ, નાક, કાનમાંથી લોહી નીકળતું હતું.

સમગ્ર મામલે મૃતકની દીકરી દ્વારા નરોડા પોલીસને જાણ કરી હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે નરોડા પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક વૃદ્ધાનું નામ ચંપા ઠાકોર છે અને તે નરોડા ક્રોસિંગ પાસે રહે છે. મૃતક ચંપા ઠાકોર એકલવાયું જીવન જીવે છે. 27 ફેબ્રુઆરીએ ચંપા ઠાકોર પાણીની ટાંકી પાછળ લાકડા કાપવા ગયા હતા. જ્યાં તેમની હત્યા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. વૃદ્ધાને ગળે કપડા વડે ટૂંપો આપવામાં આવ્યો હોય અને બાદમાં તેના મૃતદેહને ઝાડીઓમાં ફેંકી દીધો હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે.

વૃદ્ધ મહિલાની હત્યા મામલે પોલીસ અલગ અલગ મુદ્દાઓ પર તપાસ કરી રહી છે. મહિલા અને તેની બાજુમાં રહેતી પુત્રી પણ એકબીજા સાથે વાતચીત કરતા નહોતા. બીજી તરફ મૃતક મહિલાના ગુપ્ત ભાગોમાં પણ ઇજાના કારણે પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. હાલ તો પોલીસ માટે વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવો એક પડકાર બની ચૂક્યો છે.