મર્ડર@અમદાવાદ: સામાન્ય બાબતે એક યુવકે તેના જ મિત્રને છરી મારીને હત્યા કરી

100 રૂપિયા પરત આપ્યા ના હતા 
 
મર્ડર@અમદાવાદ: સામાન્ય બાબતે એક યુવકે તેના જ મિત્રને છરી મારીને હત્યા કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શાહીબાગ વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બાદ હત્યાનો બનાવ પણ સામે આવ્યો છે. નજીવી બાબતમાં મિત્રના હાથે જ મિત્રની હત્યા કરી નાખવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં જાણે કે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ ગુનેગારો બેફામ બની રહ્યા છે. રાયોટીંગ, હત્યા, અધિકારીઓ પર હુમલો આવી ઘટના તો જાણે શાહીબાગ વિસ્તારમાં સામાન્ય બની ગઈ હોય તેવા છેલ્લા થોડા સમયમાં અલગ અલગ કિસ્સાઓ સામે આવ્યા છે. બે દિવસ પહેલા શાહીબાગ વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના સામે આવી હતી. જે બાદ હત્યાનો બનાવ પણ સામે આવ્યો છે.

શાહીબાગ વિસ્તારમાં આવતી બી કોલોની પાસે એક યુવકે તેના જ મિત્રને છરી મારી હત્યા નિપજાવી હતી. શનિવારે સવારે જીગ્નેશ સોલંકી નામના યુવકે તેના મિત્ર યોગેશ મહેરીયા પાસે ઉછીના પૈસા માંગ્યા હતા. જે પૈસા યોગેશે આપવાની ના પાડતા બોલાચાલી થઈ હતી. જેમાં જીગ્નેશે પોતાની પાસે રહેલી છરીથી યોગેશને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે બાદ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

સમગ્ર મામલો પોલીસને ધ્યાને આવતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના કાકા અનિલ મહેરીયા દ્વારા શાહીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદ નોંધાતાં તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે. જેની તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદીના ભત્રીજા યોગેશ પાસેથી 100 રૂપિયા ઉછીના માંગ્યા હતા. જે યોગેશે તેને આપ્યા ન હતા.

તેથી આરોપી જીગ્નેશ સોલંકીએ ઉશ્કેરાઈને છાતીના ભાગે અને શરીરના ભાગે છરીના ઘા માર્યા હતા. જેમાં તેને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં એ વાત પણ સામે આવી છે કે પકડાયેલો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.