મર્ડર@અમદાવાદ: જૂની અદાવતમાં કેટલાક શખસે છરીના ઘા ઝીંક યુવકને મોતને ઘાટ ઉતાર્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ શહેરમાંથી મણિનગરમાં આવેલા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસેથી મર્ડરની હૃદય કંપાવી ઊઠે એવી મર્ડરની ઘટના સામે આવી છે. જૂની અદાવતમાં કેટલાક શખસોએ યુવકને સમાધાન માટે બોલાવી છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ કાગડાપીઠ અને મણિનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, જોકે આ સમગ્ર મામલે પોલીસે આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા ચિરાગ રાઠોડે તેના મિત્રની બહેનને બહેન બનાવી હતી. આ યુવતી તેની સાથે કામ કરતા મંથન ઉર્ફે ઋત્વિક પરમાર સાથે ફરતી હતી. આ અંગે ચિરાગને જાણ થતાં તેણે મંથનને બેથી ત્રણ વખત ટોક્યો હતો. આ મુદ્દે બંને વચ્ચે રકઝક પણ થઈ હતી, જોકે ગઈકાલ રાત્રે મંથને ચિરાગને સમાધાન કરવા માટે બોલાવ્યો હતો.
ચિરાગ એકલો સમાધાન માટે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે ગયો હતો. જ્યારે મંથન તેની સાથે જયદીપ શાહ, હર્ષિલ શાહ અને વિજય ઉર્ફે વી.પી. પરમારને લઈ ગયો હતો. ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે સમાધાન માટે ભેગા થયા ત્યારે ઉગ્ર બોલાચાલી થતાં મંથન અને તેની સાથે આવેલા ત્રણ શખસોએ ભેગા મળીને ચિરાગને માર માર્યો હતો. એ બાદ ચિરાગને ઉપરાછાપરી છરીના ઘા ઝીંક્યા હતા.
ચિરાગને ગંભીર ઈજા થતાં સ્થળ પર જ મોત થયું હતું. બનાવની જાણ થતાં ઝોન 6 ડીસીપી સહિતનો પોલીસકાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસ દ્વારા ચિરાગના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે. હત્યા બાદ ફરાર થયેલા આરોપીની તપાસ માટે અલગ અલગ ટીમો રવાના કરાઈ હતી.

