મર્ડર@અમદાવાદ: પ્રેમ સંબંધનાં કારણે પિતાએ પરિવારના 4 સભ્ય સાથે મળી પુત્રીની હત્યા કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. પ્રેમ સંબંધનાં કારણે પિતાએ પરિવારના 4 સભ્ય સાથે મળી પુત્રીની હત્યા કરી. અમદાવાદના કણભામાં પુત્રીના પ્રેમ સંબંધને લઈને પિતા અને પિતરાઈ ભાઈએ યુવતીની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ યુવતીની લાશને સ્મશાનમાં લઈ જઈને લાકડાની ચિતા પર ડીઝલ છાંટીને સળગાવી દીધી હતી. પોલીસને શંકા જતા પોલીસે તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. કણભા પોલીસે સમગ્ર મામલે યુવતીના પિતા પિતરાઈ ભાઈ, મોટા પપ્પા, કાકા સહિત પાંચ વ્યક્તિ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
અમદાવાદના દસક્રોઈ તાલુકાના બાકરોલ બુજર ગામમાં 19 વર્ષની હિના નામની યુવતીને ગામમાં જ રહેતા હિતેશ સોલંકી નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. હીના તેના પ્રેમી હિતેશ સાથે બે વખત ભાગી ગઈ હતી. પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ હીનાને તેના ઘરે પરત લાવી હતી. ઘરે પરત આવ્યા બાદ પણ હિનાએ હિતેશ સાથે જ લગ્ન કરવાની જીદ પકડી રાખી હતી. જેથી પરિવાર હીના સાથે નરોડા ખાતે રહેવા ગયો હતો. ત્યાં પણ હિનાને સમજાવવા છતાં તે હિતેશ સાથે લગ્ન કરવાની જીદ કરતી હતી અને કહેતી કે હું ગમે ત્યારે હિતેશ સાથે ભાગી જઈશ.
હિનાના પિતા અરવિંદસિંહે તેમના ભત્રીજા ડેપ્યુટી સરપંચ ગજેન્દ્રસિંહને બોલાવ્યા હતા અને હિના અંગે જાણ કરી હતી. અરવિંદસિંહે ગજેન્દ્રસિંહને કહ્યું હતું કે, છોકરો એક જ જ્ઞાતિનો હોવાથી સામાજિક રીતે હિનાના લગ્ન કરાવી શકાય તેમ નથી. હિના બે વખત હિતેશ સાથે ભાગી ગઈ છે, જો હવે ભાગશે તો ગામમાં અને સમાજમાં આપણી આબરૂ જશે. આપણે ગામમાં કોઈને મોઢું બતાવવા જેવું નહીં રહે. આથી હિનાનો કાયમી રસ્તો કરવો પડશે. પિતા અને પિતરાઈ ભાઈએ હિનાને બાધા કરવા માટે વડોદરા નજીક અનગઢ ગામે મેલડી માતાના મંદિર જવાનું છે કહીને ઘરની બહાર લઈ ગયા હતા.
હિનાના પિતા અરવિંદસિંહ, પિતરાઈ ભાઈ ગજેન્દ્રસિંહ, મોટા પપ્પા પોપટસિંહ, કાકા નટવરસિંહ અને અન્ય પિતરાઈ ભાઈ રાજદિપસિંહ હિનાને ફોસલાવીને વડોદરા-હાલોલ હાઇવે પર નર્મદા કેનાલ પાસે લઈ ગયા હતા. જ્યાં હિનાને ગળે દુપટ્ટા વડે ટુપો દઈને મારી નાખી હતી. ત્યારબાદ ત્યાંથી લાશ લઈને ગાડીમાં બાકરોલ ખાતે આવ્યા હતા. બાકરોલના સ્મશાનમાં પાંચે જણાએ ભેગા મળીને હિનાની લાશને રાતના અંધારામાં ચોરી છૂપીથી લાકડાની ચિંતા પર ડીઝલ વડે સળગાવી દઈને અંતિમવિધિ કરી હતી. આરોપીઓએ હત્યા કર્યા બાદ પૂરાવાનો પણ નાશ કર્યો હતો.
કણભા પોલીસને સ્મશાનમાં કોઈ લાશની અંતિમવિધિ કરાઈ હોવાની જાણ થઈ હતી. મોડીરાત્રે અંતિમવિધિ થઈ હોવાથી પોલીસને શંકા હતી. જેથી પોલીસે અંતિમવિધિની જગ્યાએથી લાશના બળી ગયેલા હાડકાના અવશેષોના અલગ અલગ ત્રણ સેમ્પલ લઈને FSLમાં તપાસ માટે મોકલ્યા હતા. બીજી તરફ પોલીસે મૃતક અંગે તપાસ કરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે, હિનાને ગામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પોલીસે હિનાના પરિવારના સભ્યોની વિગતવાર પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, પરિવારના સભ્યોએ જ હિનાની હત્યા કરીને લાશની અંતિમવિધિ કરી દીધી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી છે.