મર્ડર@અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાએ પોતાના જ ફુવાની હત્યા કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ શહેરમાંથી હદય દ્રાવક ઘટના સામે આવી છે. શીલજમાં 5 લાખ માટે ભત્રીજાએ ફુવાને મોતને ઘાટ ઉતાર્યા હતો.અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલા અવનીશ હાઈટ્સમાં પૈસાની લાલચમાં એક ભત્રીજાએ પોતાના જ ફુવાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મંગળવારે સવારે મનીષ ચોકસી નામની વ્યક્તિનો ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવતા બોપલ પોલીસે સીસીટીવી અને ટેકનિકલ તપાસના આધારે આરોપી વ્રજ સોનીની ઉદયપુરથી અટકાયત કરી છે.
શીલજમાં આવેલી અવનીશ હાઈટ્સમાં રહેતા અને ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા મનીષભાઈ ચોકસી તેમના પુત્ર સમર્થ અને સાળાના દીકરા વ્રજ સાથે રહેતા હતા. મનીષભાઈના પત્ની તિરુપતિ ખાતે મેડિટેશનમાં ગયા હતા, જ્યારે તેમનો પુત્ર સોમવારે રાત્રે કામ અર્થે સ્ટુડિયોમાં હતો. મંગળવારે સવારે સમર્થ જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે તેને મનીષભાઈનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
ઘટનાની જાણ થતા બોપલ પોલીસ, એફએસએલ અને ડોગ સ્કોડની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ફ્લેટના સીસીટીવી ફૂટેજ તપાસતા સામે આવ્યું હતું કે, મનીષભાઈના સાળાનો દીકરો વ્રજ સોની ઘરમાંથી પાંચ લાખ રૂપિયા લઈને ભાગી રહ્યો હતો. આરોપી વ્રજ માત્ર દસ દિવસ અગાઉ જ પોતાની માતા સાથે ઝઘડો કરીને મનીષભાઈના ઘરે રહેવા આવ્યો હતો. ઘરમાં પડેલા પાંચ લાખ રૂપિયા જોઈને તેની દાનત બગડી હતી અને તે રકમ પડાવવા માટે તેણે મનીષભાઈના મોઢાના ભાગે ઇજા પહોંચાડી તેમની હત્યા કરી હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી વ્રજ સોનીને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ આરોપીને અમદાવાદ લાવી રહી છે, જ્યાં તેની વધુ પૂછપરછ કરવામાં આવશે અને હત્યાના ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. પરિવારમાં આશરો આપનાર ફુવાની જ માત્ર રોકડ રકમ માટે હત્યા કરી ભત્રીજાએ માનવતા નેવે મૂકી છે, જે મામલે હવે બોપલ પોલીસ કડક તપાસ ચલાવી રહી છે.

