મર્ડર@અંકલેશ્વર: લીવ-ઇન રિલેશનશીપમાં રહેતા યુવકે પોતાની પ્રેમિકાની હત્યા કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ફરી એકવાર મર્ડરની ઘટના સામે આવી છે.અંકલેશ્વરમાં લીવ-ઇન પાર્ટનરે પ્રેમિકાની હત્યા કરી.અંકલેશ્વરના નવા બોરભાઠા વિસ્તારમાં મોબાઇલના ઉપયોગ જેવી નજીવી બાબતે થયેલો ઝઘડો લોહિયાળ ઘટનામાં પરિણમ્યો છે. લીવ-ઇન રિલેશનશીપમાં રહેતા યુવકે પોતાની પ્રેમિકા પર હથોડા વડે હુમલો કરી હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. જગદીશે રેણુકાની તેના બે સંતાનો અને તેની માતા સામે જ હત્યા કરી છે.
મળતી માહિતી મુજબ, નવા બોરભાઠા ગામમાં તક્ષશિલા સ્કૂલ પાછળ આવેલી એક સોસાયટીમાં 24 વર્ષીય જગદીશ ઉર્ફે જગ્ગો રમેશ રાઠોડ અને 30 વર્ષીય રેણુકા રાઠોડ છેલ્લા ચાર મહિનાથી લીવ-ઇન રિલેશનશીપમાં રહેતા હતા. જમતી વખતે મોબાઇલના ઉપયોગને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. સામાન્ય તકરાર થોડા જ સમયમાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી.
ઝઘડાથી ઉશ્કેરાયેલા જગદીશે ઘરમાં રહેલા હથોડા વડે રેણુકા પર હુમલો કર્યો હતો. હુમલામાં રેણુકાના મોઢા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. રેણુકાની ચીસો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક ગડખોલ પીએચસી ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.
રેણુકાની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન રેણુકાનું મોત નિપજતાં ઘટનાએ કરુણ વળાંક લીધો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક રેણુકાને અગાઉના પતિથી બે સંતાનો છે અને બંને બાળકો માતા તથા જગદીશ સાથે રહેતા હતા. માતાની નજર સામે બનેલી આ હિંસક ઘટનાથી બંને બાળકો ભારે આઘાતમાં સરી પડ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઝડપી કાર્યવાહી કરીને આરોપી જગદીશ ઉર્ફે જગ્ગો રમેશ રાઠોડની ધરપકડ કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

