મર્ડર@છોટાઉદેપુર: ગ્રામપંચાયતની ચૂંટણીમાં થયેલી બબાલની અદાવત રાખીને 2 શખસે યુવકની હત્યા કરી
ગ્રામપંચાયતની ચૂંટણીમાં બે શખસે પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની ગોળી મારી હત્યા કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મર્ડરના ગુનાઓ સામે આવતા હોય છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પિપલદી ગામે ગત મોડી રાત્રે ફાયરિંગ કરીને એક યુવકની હત્યા કરવાની ઘટના સામે આવી હતી, જેમાં મૃતક વ્યક્તિ પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં થયેલી બબાલની અદાવત રાખીને ગામના જ બે શખસે કુલદીપ પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે હાલ ફરાર આરોપીઓમાંથી એક શંકર સનજી રાઠવાની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે, જ્યારે અન્ય આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પિપલદી ગામે ગત મોડીરાત્રે લગભગ પોણાદસ વાગ્યાના અરસામાં ફાયરિંગ કરીને એક યુવકને મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી હતી, જેમાં પૂર્વ સંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવાની બંદૂકની ગોળી મારી ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ જામસિંહભાઈ રાઠવા સાથે ગત ગ્રામપંચાયત ચૂંટણીમાં ગામના જ પૂર્વ સૈનિક શંકરભાઈ સનજીભાઈ રાઠવા સાથે ઝઘડો થયો હતો.
મૃતકના ભાઈ રાજપાલ રાઠવાએ જણાવ્યું હતું કે ગઈકાલના રોજ રાત્રે 9.50ની આજુબાજુ શંકરભાઈ સમજી અને અમલા રમજી બે જણા બાઈક પર આવીને મારા ભાઈને બંદુકની ગોળી મારીને ભાગી ગયા હતા. અગાઉ સરપંચની ચૂંટણીમાં બેવાર પહેલા હારી ગયો હતો, એટલે અમને ધમકી આપને ગયો હતો કે તમને જીવવા નહીં દઉં. મારવાના ઈરાદાથી જ આવ્યો હતો.
ગ્રામપંચાયતમાં થયેલી બબાલની અદાવત રાખી ગઈકાલે રાત્રે લગભગ પોણાદસ વાગ્યાના અરસામાં શંકર સનજીભાઈ રાઠવા અને અમલા રેવજીભાઈ રાઠવા બાઈક પર આવ્યા હતા. શંકરભાઈ પાસે રહેલી બંદૂક વડે કુલદીપભાઈ રાઠવા ઉપર ફાયરિંગ કરતાં તેને પેટના ડાબી બાજુએ ગોળી વાગી હતી. આ ફાયરિંગનો અવાજ ગામમાં સાંભળાતાં લોકોએ રોકો રોકો બૂમો પાડી હતી. નજીકમાં જ કુલદીપ રાઠવાના નાના ભાઈએ પણ અવાજ સાંભળ્યો હતો અને બહાર આવીને જોતાં બાઈક પર સવાર અમાલા રાઠવા અને શંકર રાઠવાને જોયા હતા અને તેઓ અમે છે કહીને આગળ નીકળી ગયા હતા.
પેટમાંર ગોળી વાગતાં કુલદીપ ગંભીર રીતે ઘાયલ થયો હતો. એને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની કવાંટ પોલીસને જાણ થતાં પોલીસે બંને આરોપી શંકર સનજીભાઈ રાઠવા તથા અમલા રેવજીભાઈ રાઠવાની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે ફરાર આરોપીઓમાંથી એક શંકર સનજી રાઠવાની પોલીસે અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે, જ્યારે અન્ય આરોપીને પોલીસ ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કવાંટ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાંથી પેનલ પોસ્ટમોર્ટમ માટે વડોદરા લઈ જવાયો છે.