મર્ડર@ગીર સોમનાથ: પતિએ તેની પત્નીને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ફરી એકવાર મર્ડરની ઘટના સામે આવી છે.દારૂડિયા પતિએ પત્નીની પથ્થરનો ઘા ઝીંકી હત્યા કરી. ઉનામાં દારૂ પીવા મુદ્દે ઝઘડો થતાં ખલીલે સમીમબેનનું માથું ફોડી નાખ્યું. પોલીસે પકડ્યો છતાં હસતો હતોગીર સોમનાથ જિલ્લામાં બપોરના સમયે એક દારૂડિયા પતિએ તેની પત્નીને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી છે. ઉના શહેરમાં ખલીલે સમીમબેનનું માથું ફોડી નાખ્યું હતું . ઘટનાને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હત્યાના આ સનસનાટીભર્યા બનાવની જાણ થતાં જ ઉના પોલીસે આરોપી પતિને ગણતરીની મિનિટોમાં જ ઝડપી પાડ્યો હતો. જોકે, હત્યાનો લેશમાત્ર અફસોસ તેના મોઢે દેખાતો ન હતો અને પોલીસ કસ્ટડીમાં હસતો દેખાયો હતો. દરમિયાન હત્યાનો બનાવ બનતા વેરાવળથી DYSP પણ ઉના દોડી આવ્યા હતા.
મળતી વિગત મુજબ, ઉના શહેરમાં રહેતા એક મુસ્લિમ પરિવારમાં આ શરમજનક ઘટના બની હતી. અહીં રહેતો 50 વર્ષીય ખલીલ દાઉદભાઈ કાદીયાત દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો. આજે બપોરે પણ તે દારૂના નશામાં ચકનાચૂર થઈને ઘરે આવ્યો હતો. ઘરે આવ્યા બાદ તેણે પત્ની સમીમબેન સાથે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ શરૂ કરી હતી. ઝઘડો એટલો હિંસક બન્યો કે નશામાં અંધ બનેલા ખલીલે ઘરમાં પડેલો એક મોટો પથ્થર ઉપાડી પત્નીના માથામાં ફટકારી દીધો હતો.
પથ્થરનો જીવલેણ ઘા વાગતા જ સમીમબેન લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી ખલીલ નશાની હાલતમાં જ ત્યાંથી નાસી છૂટ્યો હતો.
આસપાસના પાડોશીઓને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં સમીમબેનને ઉનાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઉના પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને નાસી છૂટેલા નરાધમ પતિને ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો.
મૃતક સમીમબેનને સંતાનમાં 2 દીકરીઓ અને 1 દીકરો છે. બંને દીકરીઓના લગ્ન થઈ ગયા છે, જ્યારે તેમનો એકમાત્ર પુત્ર વાહિદ ઉનામાં એક બેંકમાં નોકરી કરે છે. પિતાએ જ માતાની નિર્મમ હત્યા કરી નાખતા ત્રણેય સંતાનો પર આભ તૂટી પડ્યું છે અને પરિવારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે. ઉના પોલીસ જ્યારે આરોપી ખલીલને પકડીને પોલીસ સ્ટેશને લાવી, ત્યારે પુત્ર વાહિદ પોતાના જ સગા પિતા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી રહ્યો હતો. આ સમયે આઘાતમાં સરેલા પુત્રએ પિતા સામે નજર મિલાવવાનું પણ ટાળ્યું હતું.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આરોપી ખલીલ સવારથી જ દારૂ પીવાની આદત ધરાવતો હતો અને દારૂના કારણે જ ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. પુત્ર વાહિદે પણ પિતાને દારૂની લત છોડવા માટે અનેકવાર સમજાવ્યા હતા, પરંતુ પિતા સુધર્યા નહીં અને અંતે માતાનો જીવ લીધો.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યારે આરોપી પતિને હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો, ત્યારે તેના ચહેરા પર પત્નીની હત્યા કર્યાનો લેશમાત્ર અફસોસ નહોતો. તે ક્રૂરતાપૂર્વક હસતા ચહેરે પોલીસ સ્ટેશનમાં બેઠો હતો અને હત્યા અંગે પૂછતા નફ્ફટાઈથી કહેતો હતો કે, "મને કશી ખબર નથી, એ તો પોતાની જાતે પડી ગઈ હશે." હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

