મર્ડર@ગુજરાત: બહેન સાથે પ્રેમની શંકામાં મિત્રએ મિત્રને પતાવી દીધો, જાણો સમગ્ર ઘટના

પોલીસે આરોપીને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે.
 
મર્ડર@ગુજરાત: બહેન સાથે પ્રેમની શંકામાં મિત્રએ મિત્રને પતાવી દીધો, જાણો સમગ્ર ઘટના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પ્રેમ સંબંધની શંકાના આધારે એક મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. રાપર તાલુકાના ત્રંબો ગામથી પિતરાઇ ભાઇ સાથે રાપર જવા નીકળેલા યુવકને અધવચ્ચે જ પોતાના મિત્રએ બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને પાઇપો મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બીજી તરફ ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે.

મૃતકના પિતા નારણ ડોડીયાએ નોંધાવેલી પોલીસ ફરિયાજ મુજબ ગત રાત્રિના 9 વાગ્યાના અરસામાં તેઓ મહેમાન સાથે ઘરે બેઠા હતા, ત્યારે તેમનો ભત્રીજો ધર્મેન્દ્ર એક્ટિવા પર રાપર જવા નીકળ્યો હતો, તેની સાથે તેમનો 24 વર્ષીય પુત્ર ધનસુખ ડોડીયા પણ રાપર જવા નીકળ્યો હતો. જેના થોડા સમય બાદ ભત્રીજાનો ફોન આવ્યો હતો કે ધનસુખને ગામના ભરત કેશાભાઇ કોલીએ પાઇપ વડે માર મારી ફરાર થઇ ગયો છે.

બનાવની જાણ થતાંજ પિતા ઘટનાસ્થળે પહોંચતા પુત્ર ધનસુખ લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો અને હલનચલન પણ કરતો ના હતો. કોઈએ 108 હેલ્પલાઇનમાં ફોન કરતા આવેલી એમ્બ્યુલન્સ મારફતે રાપર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા ફરજ પરના હાજર તબીબે પુત્રને મૃત જાહેર કર્યો હતો. આરોપી ભરત કોલીની પિતરાઇ બહેન સાથે મૃતક ધનસુખને પ્રેમ સબંધ હોવાની શંકા રાખી તેણે આ હત્યાને અંજામ આપ્યો હોવાનું ફરિયાદમાં લખાવાયું છે.

આ બાબતે ભચાઉ DySP સાગર સાબડાએ જાહેર જણાવ્યું હતું કે, મૃતક અને આરોપી બન્ને મિત્રો હતા. આરોપીની પિતરાઇ બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાને લઇને બન્ને વચ્ચે તકરાર થતા ભરત કોલીએ ધનસુખ ડોડીયાને મોઢાના ભાગે લોખંડના પાઇપ વડે ઘા મારી નાસી ગયો હતો. પોલીસે રાત્રે જ અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે.