મર્ડર@જામનગર: 12 વર્ષીય કિશોરીની તેના પાડોશમાં જ રહેતા શખ્સો છરીના ઘા મારી હત્યા નિપજાવી દેતા ચકચાર મચી

ટિફિન આપવા આવેલી કિશોરીને રહેંસી નાખી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં  હત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. લોકો નાની-નાની વાતમાં એક બીજાનો જીવ લેવા તૈયાર થઇ જાય છે.  જામનગર શહેરમાં એક અઠવાડિયામાં જ હત્યાનો બીજો બનાવ બનતા પોલીસતંત્રમાં દોડધામ મચી છે. શહેરના રાજપાર્ક વિસ્તારમાં 12 વર્ષીય કિશોરીની તેના પાડોશમાં જ રહેતા શખ્સો છરીના 20 ઘા મારી હત્યા નિપજાવી દેતા ચકચાર મચી છે. મૃતક કિશોરીના માતા ટિફિન સર્વિસ ચલાવતા હોય આરોપીઓ ટિફિન મંગાવતા કિશોરી આરોપીના ઘરે ટિફિન આપવા ગઈ હતી.

ત્યારે જ કોઈ કારણોસર છરીના ઉપરાછાપરી ઘા મારી કિશોરીની હત્યા નિપજાવી દેવાતા પરિવારજનો હતપ્રભ બન્યા હતા. ઘટનાના પગલે જામનગર પોલીસ ઘટનાસ્થળ પર અને હોસ્પિટલ પર પહોંચી હતી. હત્યાનું કારણ અકબંધ હોય પોલીસે તે જાણવાના પ્રયાસો હાથ ધરી આરોપીની શોધખોળ શરૂ કરી છે.


જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં રહેતી સગીરાના માતા ટિફિન સર્વિસ ચલાવે છે. આજે બપોરે માતા-પિતા કામ અર્થે બહાર ગયા હોય પાડોશમાં જ રહેતા આરોપીઓ તેમના ઘરેથી ટિફિન મંગાવ્યું હતું. જેથી કિશોર ટિફિન લઈને આરોપીના ઘર પર ગઈ હતી. થોડીવાર બાદ કિશોરી પર હુમલો કરાયો હોવાની સ્થાનિકોએ જાણ કરતા કિશોરીના બહેન ત્યાં દોડીને પહોંચતા કિશોર લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. આરોપીના ઘરમાંથી એક છરી પણ મળી આવી હતી.


ઘટનાની જાણ પોલીસને કરાતાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને સીટી એ પોલીસ સ્ટેશનના પી.આઈ નિકુંજ ચાવડા સહિત એલસીબી પોલીસની ટીમ જી.જી હોસ્પિટલ દોડી ગઈ હતી અને અને આરોપીને ઝડપવા માટે ચક્રોગતિમાન કર્યા છે.