મર્ડર@જામનગર: PGVCLના નિવૃત્ત કર્મચારીની ઘાતકી હત્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ફરી એકવાર મર્ડરની ઘટના સામે આવી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં નવરાત્રિના તહેવાર દરમિયાન જ એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. લાલપુરના દવાખાના રોડ પર એકલા રહેતા અને PGVCLમાંથી નિવૃત્ત થયેલા કર્મચારી મનસુખ રામજીભાઈ વાછાણી (ઉં.વ. 66)ની તેમના જ ઘરમાં ઘાતકી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની જાણ કેવી રીતે થઈ?
મનસુખભાઈના પત્ની અને પુત્ર અમદાવાદમાં રહેતા હોવાથી તેઓ લાલપુરમાં એકલા જ રહેતા હતા. ગઈકાલે રાત્રે મનસુખભાઈના ઘરની લાઈટો બંધ હોવાથી અને ઘરના દરવાજે બહારથી તાળું મારેલું ન હોવાથી આસપાસના પાડોશીઓને શંકા ગઈ હતી. આથી તેમણે લાલપુરમાં જ રહેતા તેમના નાના ભાઈ મહેન્દ્રભાઈને જાણ કરી હતી. મહેન્દ્રભાઈએ ઘરે પહોંચી દરવાજો ખોલીને તપાસ કરતા મનસુખભાઈ લોહીલુહાણ અને મૃત હાલતમાં મળી આવ્યા હતા.
બનાવની જાણ થતાં જ જામનગર જિલ્લા પોલીસવડા ડૉ. રવિ મોહન સૈનિ, ASP પ્રતિભા, LCB PI અને લાલપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી ડી.સી. ગોહિલ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
મૃતદેહના માથાના ભાગે ઈજાના 5 જેટલા નિશાન જોવા મળ્યા હતા. ઉપરાંત ઘરમાં ચીજવસ્તુઓ વેરવિખેર હાલતમાં મળી આવી હોવાથી રોકડ રકમ અથવા કિંમતી માલમત્તાની લૂંટ ચલાવવાના ઈરાદે ઘરમાં ઘૂસી આ હત્યા નીપજાવવામાં આવી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
પોલીસની પ્રાથમિક વિગતો મુજબ, મનસુખભાઈના ઘરમાં કામકાજ અર્થે આવતી એક સગીરા અને તેના સંપર્કમાં રહેલો અક્ષય નામનો યુવાન ઘટના બાદથી જ ગુમ મળી આવ્યા છે. પોલીસે બંને શંકાસ્પદ વ્યક્તિની ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
હાલ પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની મદદથી ઘટનાસ્થળેથી મહત્વના પુરાવા એકત્ર કર્યા છે. અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગુમ થયેલી સગીરા અને યુવાન ઝડપાયા બાદ જ હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર, ચોરાયેલી રકમ અને લૂંટ કે અંગત અદાવત પાછળનું સચું કારણ સ્પષ્ટ થઈ શકશે.

