મર્ડર@ખેડા: પતિએ પત્નીને નેનો યુરિયા પીવડાવી મૃતદેહ લટકાવ્યો, પોલીસે પતિ-જેઠની અટકાયત કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના કપરૂપુર બારૈયાની મુવાડીમાં ગર્ભવતી મહિલા અરુણાબેનના શંકાસ્પદ મોતના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ પોલીસની તપાસ અને મેડિકલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાનું મોત ગળે ફાંસો ખાવાથી નહીં, પરંતુ ઝેરી પદાર્થ પીવડાવવાને કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે મહુધા પોલીસે હત્યાને આત્મહત્યાનું રૂપ આપવાના કથિત કાવતરામાં સંડોવણીના આરોપસર પતિ મિતુલ સોઢા અને જેઠ વિપુલ સોઢાની અટકાયત કરી છે.
મૃતક અરુણાબેનના ભાઈ વીરેન્દ્રસિંહે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની બહેનને તેના પતિ મિતુલ સોઢા, સાસુ કૈલાશબેન, જેઠ વિપુલ સોઢા અને જેઠાણી અલ્પાબેન દ્વારા ચારિત્ર્ય પર શંકા રાખીને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પતિ-પત્ની વચ્ચે એકબીજાના ચારિત્ર્ય અને કથિત ગેરસંબંધોને લઈને વારંવાર ઝઘડા થતા હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં સામે આવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
ડીવાયએસપી વિમલ બાજપાઈના જણાવ્યા અનુસાર, બનાવની રાત્રે અરુણાબેન અને તેના પતિ મિતુલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મિતુલે પોતાના મોબાઈલમાં ગૂગલ પર મહિલાના આપઘાતના કિસ્સામાં પતિ કેટલો જવાબદાર બને છે તે અંગે સર્ચ કર્યું હતું. પોલીસ તપાસમાં એવો આક્ષેપ સામે આવ્યો છે કે ત્યારબાદ મિતુલે અરુણાબેનને બળજબરીથી સોફા પર પાડી દઈને ખેતરમાં વપરાતું નેનો યુરિયાનું લિક્વિડ મોઢામાં પીવડાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટનામાં પરિવારના અન્ય સભ્યોની પણ મદદગારી હોવાની વિગતો સામે આવી છે. આરોપ છે કે જેઠાણી અલ્પાબેને અરુણાબેનના પગ પકડી રાખ્યા હતા, જ્યારે સાસુ કૈલાશબેને તેમના હાથ પકડી રાખ્યા હતા. મહિલાનું મોત થયાની ખાતરી થયા બાદ ઘટનાને આત્મહત્યા તરીકે દર્શાવવા માટે મૃતદેહને ઘરના પાછળના ખંડની બારી પાસે નાયલોનની દોરી વડે લટકાવવામાં આવ્યો હોવાનો ખુલાસો તપાસમાં થયો છે.
મહિલાના મોત બાદ મૃતદેહને નીચે ઉતારીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ પોલીસનો આક્ષેપ છે. વધુમાં, ઝેરી પદાર્થની પ્લાસ્ટિકની કોથળીને ઘરના ચુલામાં સળગાવી દેવામાં આવી હતી અને ઘટનાને સવાર સુધી છુપાવી રાખવામાં આવી હતી. સમગ્ર બનાવને આત્મહત્યા તરીકે ખપાવવા માટે પરિવારના સભ્યોએ એકબીજાને મદદ કરી હોવાની દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
મહુધા પોલીસે આ કેસમાં કાર્યવાહી કરીને પતિ મિતુલ સોઢા અને જેઠ વિપુલ સોઢાની અટકાયત કરી છે. ઘટનાસ્થળેથી નાયલોનની દોરી, એક મોબાઈલ ફોન અને એક બ્લેડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે અને તેમને ઝડપી પાડવા માટે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

