મર્ડર@રાજકોટ: રૈયા રોડ પર આવેલા RMCના આવાસ ક્વાર્ટરમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી

મૈત્રી કરારથી પ્રેમી-પ્રેમિકા સાથે રહેતા હતા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મર્ડરના કેસ ખુબજ  વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મર્ડરના બનાવો સામે આવતા હોય છે. લોકો નાની-નાની વાતમાં એક બીજાને જાનથી મારી નાખે છે.  રાજકોટના રૈયા રોડ પર આવેલા RMCના આવાસ ક્વાર્ટરમાં મહિલાની હત્યા થઈ છે. આવાસ ક્વાર્ટરમાં મૈત્રી કરારમાં રહેતા તેના પ્રેમી મહિલાની હત્યા કરી છે. મહિલાના મૃતદેહ ઉપર તેના જ બહેનની નજર પડી હતી અને તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ કરતા મહિલાને ઓશીકા વડે ડૂમો આપી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં પોલીસે હત્યારાની શોધખોળ હાથ ધરતા આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવક-યુવતી છેલ્લા 4 મહિનાથી મૈત્રી કરાર કરીને બે મહિનાથી રૈયા રોડ પર આવેલા આવાસના ક્વાર્ટરમાં રહેવા આવ્યા હતા.


રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૈયા રોડ પર આવાસ ક્વાર્ટરમાં રહેતા ઇલા ઉર્ફે કિરણ સોલંકીની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ તેના જ ઘરમાં જોવા મળતા તેની બહેન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ યુનિવર્સિટી પોલીસ સ્ટાફ તેમજ અધિકારીઓ સાથે સ્થળ પહોંચી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પ્રથમ ગળા ટૂંપો દઈ હત્યા કરાઈ હોવાનું માલુમ થયું હતું, પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરતા મહિલાની હત્યા તેના પ્રેમી કે જેમની સાથે છેલ્લા 3-4 મહિનાથી મૈત્રી કરાર કરી રહેતા સંજય ગોસાઇએ ઓશીકા વડે મોઢા પર ડૂમો આપી કરી હોવાનું સામે આવ્યું છે.

આવાસ ક્વાર્ટરમાં પ્રેમી-પ્રેમિકા સાથે રહેતા


બનાવ અંગે જાણ થતાં પોલીસે FSLની મદદ મેળવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યારા પ્રેમી સંજય ગોસાઈની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપી સંજય પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. તેની ધરપકડ કરી બાદમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરોપી સંજય અને મૃતક ઈલા ઉર્ફે કિરણ છેલ્લા 4 મહિનાથી મૈત્રી કરાર કરી છેલ્લા બે મહિનાથી રૈયા રોડ પર આવેલા આવાસના ક્વાર્ટરમાં રહેવા આવ્યા હતા. પ્રેમીકાના આગલા ઘરના લગ્ન જીવનથી સંતાનમાં એક દીકરો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.


મૃતક ઈલા ઉર્ફે કિરણની બહેન પણ આ જ ક્વાર્ટરમાં બાજુના બ્લોકમાં રહેતી હતી. આજે તેની બહેન તેને ફોન કરતી હતી, પરંતુ ઈલા ફોન ઉપાડી રહી ન હોવાથી થોડા સમય બાદ મૃતક ઇલાના બહેન તેના ઘરે પહોંચ્યા હતા. જ્યાં ઈલા મૃત હાલતમાં જોવા મળતા કલ્પાંત છવાયો હતો અને પછી તેને પોતાના પતિને તેમજ પરિવારજનોને જાણ કરી પોલીસને બનાવ અંગે જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી સંજય એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે. ગઈકાલે રાત્રે બન્ને સાથે જમ્યા પણ હતા. અચાનક વાસણ સાફ કરવા બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેના કારણે સંજયે ઈલાની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. જોકે, હત્યા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.