મર્ડર@મોરબી: પુત્રએ કુહાડીના ઘા ઝીંકી પિતાની કરી ક્રૂર હત્યા કરી, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ફરી એકવાર મર્ડરની ઘટના સામે આવી છે. માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે કળિયુગની પરાકાષ્ઠા સમાન એક ઘટના સામે આવી છે. જેમાં કામ-ધંધા બાબતે પિતાએ પુત્રને ઠપકો આપતા, ઉશ્કેરાયેલા પુત્રએ પોતાના 85 વર્ષીય વૃદ્ધ પિતા પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી તેમની નિર્મમ હત્યા નિપજાવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી પુત્રની ધરપકડ કરી છે.
મોટાભેલા ગામે રહેતા 85 વર્ષીય જીવણભાઈ સોમાણીએ તેમના પુત્ર પ્રવીણ ઉર્ફે પવો જીવણભાઈ સોમાણીને કોઈ કામ-ધંધો કરવા બાબતે ઠપકો આપ્યો હતો. પિતાનો આ ઠપકો પુત્રને એટલો હદે માઠો લાગી ગયો કે, તેણે માનવીય સંવેદનાઓ નેવે મૂકી પિતા સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી.
ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે, પ્રવીણે ઘરમાં રહેલી કુહાડી ઉઠાવી પિતા પર હુમલો કરી દીધો હતો. વૃદ્ધ પિતાના બંને પગના કાંડાના ભાગે કુહાડીના ઊંડા અને જીવલેણ ઘા મારી દેતાં જીવણભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા અને ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
આ લોહિયાળ ખેલ બાદ મૃતક જીવણભાઈના બીજા પુત્ર ભરતભાઈ ઉર્ફે ભટ્ટી જીવણભાઈ સોમાણીએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાના જ સગા ભાઈ પ્રવીણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની જાણ થતા જ માળીયા તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, ભરતભાઈની ફરિયાદના આધારે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને પિતાની હત્યા કરનાર આરોપી પુત્ર પ્રવીણ ઉર્ફે પવોની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

