મર્ડર@સુરત: મામાએ ભાણેજના ટુકડા કરી ખાડીમાં ફેંકી દીધા, કયા કારણે આવું કર્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત શહેરમાથી હદય કંપાવી દે એવી મર્ડરની ઘટના સામે આવી છે. જ્યાં મામાએ પોતના ભાણેજની હત્યા કરી છે. સુરતના ભાઠેનામાં ભાણેજ મોહમ્મદ આમીર આલમની તેના જ મામા મોહમ્મદ ઇફ્તિકાર વાજીદ અલીએ નિર્મમ હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ ગુનાને છુપાવવા માટે આરોપી મામાએ લાશના 7 ટુકડા કરી ખાડીમાં નાંખી દીધા હતા. પરંતુ તેનો ભેદ હત્યા કરનાર મામાએ જ ગુરુવારે રાત્રે ગુમ થયાની ખોટી ફરિયાદ નોંધાવ્યા બાદ ખૂલ્યો હતો. હાલ આરોપી મામા ભાણિયાના સાત ટુકડા કરી તેને કોથળામાં પેક કરીને મોપેડમાં નાખીને જતો હોવાના CCTV પણ સામે આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે મૃતક મોહમ્મદ આમીર આલમ અને હત્યારો મામો મોહમ્મદ ઇફ્તિકાર વાજીદ અલી બંને મૂળ બિહારના કટિહારના રહેવાસી છે. ભાઠેનામાં શિવશક્તિ નગરમાં ભાડાના ફ્લેટમાં સાથે રહેતા હતા. મામા-ભાણેજ ઉધના રોડ નંબર 8 પર 30 સિલાઈ મશીન ભાડે ચલાવતા હતા. ઘણાં સમયથી ભાણેજ હિસાબ કરી નફો બતાવતો હતો પણ રોકડ મામાને આપતો ન હતો. જેથી હિસાબોને લઈ બંને વચ્ચે ઝઘડાઓ શરૂ થયા હતા.
થોડા સમય પહેલા બંનેએ છૂટા પડવાનું નક્કી કર્યું હતું. ગત રવિવારની સાંજે ખાતા પર જમ્યા બાદ તેઓ ફ્લેટ પર ગયા બાદ મામાએ હત્યાનો ખેલ કર્યો હતો. બાદમાં પોલીસે લાલ આંખ બતાવતા મામાએ હત્યા કરી લાશ ખાડીમાં ફેંકી દીધાની કબૂલાત કરી હતી. ઉધના પોલીસે હત્યામાં વપરાયેલા હથોડી અને ચાકુ સહિતના પુરાવાઓ જપ્ત કરવા તથા ખાડીમાં ફેંકાયેલા મૃતદેહના ટુકડાઓ ફાયર વિભાગના અધિકારીઓની મદદથી શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
પૈસાની આ લેતી-દેતી અંગે મામા-ભાણેજ વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા થતા હતા. મામા ઇફ્તિકાર વારંવાર પૈસા માંગતા ભાણેજે હિસાબ આપવાની ના પાડી દીધી હતી. જેથી મામાએ સંજયનગર પાસે ખાતું ભાડે રાખી લીધું હતું અને પોતાના ભાગના 30માંથી 15 મશીન આપી દેવા ભાણજને કહેતા તેણે ના પાડી દેતા હત્યાનો એક મહિના પહેલા જ પ્લાન બનાવ્યો હતો.
આરોપી મામા મોહમ્મદ ઇફ્તિકારે હત્યાનો ભયાનક પ્લાન સોમવારની વહેલી સવારે પાર પાડયો હતો. ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેશ દેસાઈના જણાવ્યા મુજબ, જ્યારે ભાણેજ આમીર પોતાના રૂમમાં ઊંઘમાં હતો, ત્યારે ઇફ્તિકારે વજનદાર હથોડી વડે તેના માથામાં ગંભીર ઘા મારીને તેની નિર્મમ હત્યા કરી નાંખી હતી.
આરોપી મામા અને ભાણેજ ભાઠેનાના એક ફ્લેટમાં સાથે રહેતા હતા. જ્યારે અન્ય તેના ભાઈ અને કારીગરો ખાતા પર રહેતા હતા. અવારનવાર હિસાબોના ઝઘડાને લઈ ભાણેજની હત્યા કરવાનો પ્લાન મામાએ મનોમન બનાવી લીધો હતો. હત્યા કઈ રીતે કરવી? પુરાવા કઈ રીતે નાશ કરવા? અને જો પકડાઈ જવાઈ તો કેટલી સજા થાય તેની જાણકારી તેણે યુટ્યુબ પરથી મેળવી હતી. છેલ્લા એક મહિનામાં તેણે 20 વખત આ અલગ અલગ માહિતી મેળવી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.
આરોપીએ મર્ડરનું પ્લાનિંગ કર્યા બાદ ઉધનાની દુકાનમાં નવું ખાતું શરૂ કરવાનું કહી ત્યાંથી છરો અને હથોડી ખરીધા હતા. હથોડી વડે હત્યા કર્યા બાદ છરા વડે લાશના 7 ટુકડા કર્યા હતા. બાદમાં સોમવારની રાત્રે એક્ટિવા પર બે ફેરામાં મીંઠી ખાડીમાં લાશના ટુકડાઓ બોરીમાં ભરી નાંખી દીધા હતા. બાદમાં આખું ઘર સાફ કરી બીજા દિવસે ખરીદેલો હથોડો અને છરી ફરી એ જ દુકાનમાં ખાતુ ચાલુ નહીં કરવાનું કહી અડધી કિંમતે વેચી આવી પુરાવાનો નાશ કરી દીધો હતો.