મર્ડર@રાજકોટ: 6 શખસોએ કુહાડી અને પાઈપના ઘા મારી યુવકની હત્યા કરી, જાણો સમગ્ર ઘટના વિશે

માતાએ કહ્યું- 'મારા દીકરાને સમાધાન માટે બોલાવી મારી નાખ્યો'
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં હદય કંપાવી ઊઠે એવી મર્ડરની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર જૂની અદાવતમાં 6 શખસોએ કુહાડી અને પાઈપના ઘા મારી એક યુવકનું ઢીમ ઢાળી દીધાનો બનાવ સામે આવ્યો છે. પરિવારજનોએ કહ્યું કે, એટલો ક્રુરતાથી માર મારવામાં આવ્યો હતો કે શરીરનું એકેય અંગ બાકી નથી રાખ્યું. જ્યાં સુધી આરોપી ન ઝડપાય ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દેતાં પોલીસે સમજાવટના પ્રયાસો હાથ ધર્યા છે. મૃતક ભાવેશ પરિણીત અને બે સંતાનનો પિતા હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકના માતાએ રડતાં રડતાં જણાવ્યું હતું કે, મારા દીકરો 2 લાખ રૂપિયા લઈ સમાધાન માટે ગયો હતો. તેઓએ છેતરીને મારા દીકરા પર ઘા કર્યો. જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુ સોલંકી રાજકોટ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, બપોરે 3 વાગ્યા સુધીમાં આરોપીઓ નહીં પકડાય તો અમે મૃતદેહ CP કચેરી લઈ જઈશું.

નર્સિંગ ના વ્યવસાય સાથે સંકળાયેલા રાહુલ પરમાર દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રવિવારના રોજ રાત્રિના સમયે પોતાના મિત્ર ભાવેશ વાણવી તેમજ પ્રિન્સ વાણવી સાથે રૈયા રોડ પરના સોપાન હાઈટ્સ પાસે બેઠા હતા. તેમજ ત્યારબાદ ત્રણેય મિત્રો ઘરે જમવા માટે નીકળ્યા હતા. દરમિયાન ડ્રીમ સિટીની સામે પહોંચતા 4 થી 5 અજાણ્યા વ્યક્તિઓ સ્વીફ્ટ કાર તેમજ બાઈક લઈને અમારી પાછળ આવ્યા હતા. તેમજ તેમના દ્વારા લાકડી, ધારિયા, કુહાડી સહિતના હથિયારો વડે ભાવેશ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ પ્રિન્સ પણ ત્યાં ઉભો રહેતા પ્રિન્સને પણ માર મારવામાં આવ્યો હતો. ડર લાગવાના કારણે હું ત્યાંથી સાઈડમાં જતો રહ્યો હતો. ત્યારબાદ કારમાં આવેલા વ્યક્તિઓ ભાવેશને કારમાં બેસાડીને ત્યાંથી લઈને જતા રહ્યા હતા. પ્રિન્સને માથાના ભાગે ઇજા પહોંચતા તેને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

બનાવ સંદર્ભે પ્રિન્સ ને પૂછતાં તેણે જણાવ્યું હતું કે હમીર જોગરાણા સાથે ચિચોડો રાખવા બાબતે ભાવેશ વાણવી દ્વારા મહાનગરપાલિકામાં અરજી કરવામાં આવી હતી. જે બાબતનો ખાર રાખીને હમીર જોગરાણા સહિતના વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ભાવેશ ઉપર જીવલેણ હુમલો કર્યા બાદ તેને માર મારીને રસ્તામાં ફેંકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સારવાર છે તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

મૃતક ભાવેશના માતા ગીતાબેન વાણવીએ રડતાં રડતાં જણાવ્યું હતું કે, હું ઘરે આવી ત્યારે ભાવલાએ કહ્યું હું થોડીવારમાં આવું છું. અમને કોઈને બોલવા ન દે એવો મારો દીકરો હોશિયાર હતો. વીડિયો વાઈરલ કર્યો, એમાં એ લોકોએ વિશ્વાસઘાત કર્યો. ધમકી દઈ મારા દીકરા પાસે સમાધાન કરાવી લીધું. 2 લાખ રૂપિયા સમાધાન માટે લઈ ગયો હતો. વીડિયો કઢાવી નાખી છેતરીને મારા દીકરા પર ઘા કર્યો છે.

યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ રુમે ખસેડવામાં આવતા ત્યાં સંબંધીઓ અને તેમના સમાજના આગેવાનો ત્યાં દોડી ગયા હતા અને આરોપી પકડાયા બાદ જ તેમનો મૃતદેહ સ્વીકારવામાં આવશે તેવું પરિવારજનોએ જણાવ્યું હતું. મૃતક પત્રકાર હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા જાણવા મળ્યું છે.

સામાજિક આગેવાન માવજીભાઈ રાખસીયાએ જણાવ્યું હતું કે, અમારા સમાજના યુવાન ભાવેશ વાણવીની બેરહેમીથી હત્યા કરવામાં આવી છે. 10 થી 12 શખ્સોએ હૂમલો કર્યો હતો. જેમાં યુવાનનું એક પણ અંગ એવું નથી જ્યાં માર ન માર્યો હોય. જેથી પોલીસ આરોપીઓની સાન ઠેકાણે લાવે તેવી માંગણી છે.

DCP ઝોન-2 રાકેશ દેસાઈએ જણાવ્યુ હતુ કે, મૃતક ભાવેશ વાણવીને હમીર ભરવાડ અને તેમની સાથેના શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો. જે બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ થતા યુનિવર્સિટી પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રસના ચીચોડાના જૂના મનદુ:ખમાં યુવાનની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. જેથી રાજકોટ શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

રાજકોટમાં દલિત સમાજના યુવાનની હત્યાની ઘટના બની છે ત્યારે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુ સોલંકી રાજકોટ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, એક અઠવાડિયામાં બીજા દલિત યુવાનની હત્યા કરવામાં આવી છે. જૂનાગઢના જૂથળ ગામે ભરત સોંદરવા નામના યુવાનની હત્યા કરવામાં આવી અને હવે ભાવેશ વાણવીની હત્યા થઈ છે. બપોરે 3 વાગ્યા સુધીમાં આરોપીઓ નહીં પકડાય તો મૃતદેહ પોલીસ કમિશનર કચેરી ખાતે લઈ જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

મૃતક ભાવેશ બે બહેનનો એકનો એક ભાઈ હતો.તેમના બે બહેન શિલ્પાબેન અને તારીકાબેન નામ છે.તેમજ તેમના પત્નીનું નામ દિવ્યાબેન છે તેમજ સંતાનમાં બે પુત્ર લક્ષ્ય (ઉ.7) અને અંશ (ઉ.4) છે.પોતે જમીન મકાનના વ્યવસાય સાથે જોડાયેલો હોવાનું હાલ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

મૃતક ભાવેશ વાણવી જેઓ પત્રકાર હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે તેમજ અગાઉ તેમનો અને બિલ્ડરનો એક ઓડિયો વાયરલ થયો હતો.તેમજ સાધુવાસવાણી રોડ પર પાર્સલ આપવા મામલે તેમના છાત્રાલયના સંચાલકો સાથે માથાકૂટ પણ કરી હતી.જે મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે તેમજ પોલીસે ભાવેશને પાસા તળે જેલ હવાલે કર્યો હતો.તે થોડા સમય પહેલા જેલમાંથી છૂટયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.