મર્ડર@રાજકોટ: પતિએ પત્નીની હત્યા કરી લાશ દાટી દીધી, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
સાળાને કહ્યું:'તારી બહેન કોઇની સાથે ભાગી ગઇ છે'
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મર્ડરના કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મર્ડરની ઘટના સામે આવતી હોય છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખોખરી ગામે ખેતમજુરી કરતા શ્રમિકે તેની પત્નીને બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ લાશને જમીનમાં દાટી આરોપી પતિ તેના ચાર સંતાનોને લઇને નાસી ગયો હતો. અને પોતાના સાળાને ફોન કરીને એવી કેફીયત આપી હતી કે,'તારી બહેન કોઇની સાથે ભાગી ગઇ છે'. પરંતુ આ ઘટનામાં વણાંક ક્યારે આવ્યો જ્યારે જમીનમાં દટાયેલી મૃતકની લાશને કારણે આસપાસ તીવ્ર દુર્ગંધ આવતી હતી.
જેથી જમીનમાં ખોદકામ કરતાં પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો અને શ્રમિક પતિ દ્વારા તેની હત્યા કર્યાનું સામે આવ્યું હતું સમગ્ર મામલે ધ્રોલના ખેંગારકા ગામે ખેતીકામ કરતા મૃતકના ભાઈએ પોતાના બનેવી વિરુદ્ધ પડધરી પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ કરી હતી.
જેમાં ફરિયાદી દિલીપભાઈ બામનિયાએ મૂળ મધ્યપ્રદેશના વતની અને પડધરીના ખોખરી ગામે કનકસિહ બહાદુરસિહ જાડેજા ની વાડીમા ખેતમજૂરી કરતા આરોપી બનેવી સંતોષભાઇ રાધેશ્યામભાઇ બુડળીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે,ગત તા.૦૩/૧૨/૨૦૨૨ના રોજ દિલીપભાઈ બામનિયા પોતાના વતન મધ્યપ્રદેશ પહોંચ્યો હતો. તા.૪ના રોજ તેના બનેવી સંતોષનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, તારી બહેન કેસરબાઇ કોઇની સાથે ભાગી ગઇ છે અને હું બાળકોને લઇને વતન જાઉં છું, ત્યારબાદ દિલીપભાઈ સતત બે દિવસ બનેવીને ફોન કર્યો ત્યારે તેણે કેસરબાઇ કોઇની સાથે ભાગી ગયાનું જ રટણ રટ્યું હતું. તા.૯ના દિલીપભાઈ ધ્રોલના ખેંગારકા ગામ આવી ગયો હતો અને તેણે સંતોષના કાકા વિષ્ણુભાઈને ફોન કરીને કેસરબાઇ અંગે પૃચ્છા કરતાં વિષ્ણુભાઈએ કહ્યું હતું કે, સંતોષે તેની પત્ની કેસરબાઇની હત્યા કરી લાશ કોઇ સ્થળે છુપાવી દીધી છે.
જેથી દિલીપભાઈ ખોખરી ગામે આવ્યો હતો અને જ્યાં તેમના બનેવી જ્યાં ખેત મજૂરી કરતા હતા તે કનકસિંહને આ સંદર્ભે પૂછપરછ કરી હતી ત્યારે કનકસિંહ એ પણ જણાવ્યું હતું કે, કેસરબાઇ સાથે તેનો પતિ સંતોષ અવારનવાર ઝઘડા કરતો હતો. દશ દિવસ પહેલાં પણ કેસરબાઇ સાથે માથાકૂટ કરી હતી.એ દરમિયાન કનકસિંહ તેમની વાડીએ ગયા હતા ત્યારે તેમની વાડીની બાજુની વાડીના શેઢે પાણીના ખાલી વોંકળા પાસેથી તીવ્ર દુર્ગંધ આવી હતી અને કશુંક અજુગતું થયાની શંકા ઉપજી હતી તેથી તેમણે પોલીસને જાણ કરાતા પડધરી પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિતની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી.
પોલીસે જ્યાંથી દુર્ગંધ આવતી હતી જે જગ્યા પરની માટી દૂર કરાવતાં જ વાડીમાં મજૂરી કરતી કેસરબાઇની કોહવાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. કેસરબાઇનું મોઢું છૂંદી નાખવામાં આવ્યું હતું. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. કેસરબાઇને બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો હતો. જેથી સમગ્ર મામલે આરોપી બનેવી વિરુદ્ધ દિલીપભાઈએ ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ કરી હતી