મર્ડર@રાજકોટ: પતિએ પત્નીને પેવર બ્લોકના ઘા ઝીંકી હત્યા કરી મોતને ઘાટ ઉતારી દેતાં ખળભળાટ

ગૃહ ક્લેશ અને ચારિત્ર્યની શંકાએ
 
મર્ડર@રાજકોટ: પતિએ પત્નીને પેવર બ્લોકના ઘા ઝીંકી હત્યા કરી મોતને ઘાટ ઉતારી દેતાં ખળભળાટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મર્ડરની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રાજકોટ શહેર વધું એકવાર રક્ત રંજીત થયું છે. જીવરાજ પાર્કમાં આવેલ અંબિકા ટાઉનશીપ શિપમાં ગૃહ ક્લેશ અને ચારિત્ર્યની શંકાએ પેવર બ્લોકના ધંધાર્થીએ તેની પત્નીને પેવર બ્લોકના ઘા ઝીંકી હત્યા કરી મોતને ઘાટ ઉતારી દેતાં ખળભળાટ મચી ગયો હતો.

પત્નીની હત્યા કર્યા બાદ પતિએ એક વિડીયો ઉતારી રેસિડેન્સીના ગ્રુપમાં મૂકી બનાવ અંગે પોલીસને જાણ કરી સરન્ડર કર્યું હતું.

બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી હત્યારા પતિ મૂળ મહારાષ્ટ્રના ગુરૂપા શિરોડીની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં જીવરાજ પાર્કમાં આવેલ અંબિકા ટાઉનશીપમાં શાંતિવન નિવાસ રેસિડેન્સીમાં રહેતાં અંબિકાબેન ગુરૂપા શિરોડી (ઉ.વ.34) ગઈ રાતે પોતાના ઘરે હતી ત્યારે તેના પતિ ગુરૂપા સાથે ઝઘડો થયો હતો. જે બાદ ઉશ્કેરાયેલા તેના પતિ ગુરૂપાએ મોડી રાતે ત્રણ વાગ્યાની આસપાસ પેવર બ્લોકના ઘા માથામાં ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી હતી.

જે બાદ એક પત્નીના મૃતદેહની બાજુમાં હત્યારા પતિએ બનાવની જાણ કરતો એક વિડીયો ઉતારી રેસિડેન્સીના ગ્રુપમાં મુક્યો હતો અને બાદમાં બનાવ અંગે મીડિયા અને પોલીસને જાણ કરી પોતે સરન્ડર કર્યું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના પીઆઈ ડી.એ.હિરપરા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હત્યારાની ધરપકડ કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હત્યારો ગુરૂપા શિરોડી મૂળ મહારાષ્ટ્રનો વતની છે અને વર્ષ 2003 માં રાજકોટ રહેવા આવ્યો હતો અને પેવર બ્લોકના ધંધા સાથે સંકળાયા બાદ તેમને વર્ષ 2006 માં લગ્ન અંબિકા સાથે લગ્ન કર્યા બાદ બંને દંપતી રાજકોટ અંબિકા ટાઉનશીપમાં રહેતાં હતાં અને લગ્ન જીવન દરમિયાન એક પુત્ર અને એક પુત્રી સંતાનમાં છે. લગ્નના 17 વર્ષ બાદ પત્નીને હત્યારા પતિના મિત્ર સાથે આડા સબંધ બંધાયા હોવાની જાણ થતાં દંપતી વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો.

ત્યારે ગઈ રાતે તેમના બંને સંતાનો અન્ય રૂમમાં સુઈ ગયાં બાદ મોડી રાતે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને રાતે ત્રણ વાગ્યાની આસપાસ ઝઘડો ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા પતિએ ત્યાં પડેલ પેવર બ્લોકના ઘા માથામાં ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને બાદમાં પોતે જ પત્નીના મૃતદેહની બાજુમાં જ એક વિડીયો ઉતારી પોતે પત્નીની હત્યા કરી હોય તેવું કહી સોસાયટીના ગ્રુપમાં વાયરલ કરી પોલીસને જાણ કરી હતી.