મર્ડર@રાજકોટ: પરપ્રાંતિય શખ્સોએ છેડતીની શંકાએ 2 સગા ભાઈઓને છરીથી રહેંસી નાખ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મર્ડરની ઘટનાઓ ખુબજ વધી ગયા છે. ફરી એકવાર રાજકોટમાંથી ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી. આર્યનગરમાં એક જ મકાનમાં બે પરપ્રાંતિય શખ્સોએ છેડતીની શંકાએ 2 સગા ભાઈઓને છરીથી રહેંસી નાખ્યા. જેમાં નાના ભાઈનું વધું ઘવાતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
જ્યારે તેના મોટાભાઇને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જો કે, ટૂંકી સારવાર બાદ તેનું પણ મૃત્યુ નીપજતાં બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો. પોલીસે મૃતક યુવકની પત્નીની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હત્યા નીપજાવી નાસી છુટેલા બંને શખ્સોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરનાં સંત કબીર રોડ ઉપર રહેતા પરપ્રાંતિય અમિત જૈન અને વિક્કી જૈન નામના બંને ભાઈઓ પર સોમવારની રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બન્ને યુવાનને પેટ અને શરીરના અન્ય ભાગો ઉપર છરીના ઘા મારવામાં આવ્યા હતા. જેને કારણે એક ભાઈ તો લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો તો અન્ય ભાઈને ગંભીર હાલમાં 108 એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બીજા ભાઈનું પણ મૃત્યુ નીપજ્યું હતું.