મર્ડર@રાજકોટ: પતિએ જ કરી પત્નીની હત્યા, પુત્રને ફોન કરીને કહ્યું, મેં તારી મમ્મીને મારી નાખી.

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
 
 મર્ડર@રાજકોટ: પતિએ જ કરી  પત્નીની હત્યા, પુત્રને ફોન કરીને કહ્યું: "મેં તારી મમ્મીને મારી નાખી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજયમાં અવાર-નવાર મર્ડરની ઘટનાઓ સામે આવતીજ હોય  છે. રોજ કોઈને-કોઈ જગ્યાએથી ખૂનની ઘટના સામે આવતી હોય છે.  વેરાવળમાં ઘરગંકાસને પગલે પતિના હાથે પત્નીની હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. હત્યા કર્યા બાદ પુત્રને ફોન કરી આરોપી પિતાએ કહ્યું હતું કે, મેં તારી મમ્મીને પતાવી દીધી છે. સમગ્ર મામલે પુત્રએ શાપર પોલીસમાં પોતાની માતાની હત્યા કરનાર પિતા સામે ફરિયાદ નોંધાવી છે.

જેમાં વેરાવળ શાપરમાં સર્વોદય સોસાયટી, ગોવિંદનગર કંકુબેન ભરવાડનાં મકાનમાં ભાડેથી રહેતા ફરિયાદી બાબુ પરમારે પોતાના જ હત્યારા પિતા પ્રેમજી પરમાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે,તા.૧૨/૦૧/૨૦૨૪ના રોજ સવારના દસ વાગ્યા આસપાસ બાબુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે અભ્યાસ અર્થે આવેલ હતો અને સાંજનાં સાડા છ વાગ્યા સુધી રાજકોટ હતો.

તે દરમ્યાન સાંજના સમયે પિતા પ્રેમજીએ તેના મોબાઇલ ફોનમાંથી બાબુને કોલ કરેલ અને કહેલ કે, મેં તારી મમ્મી કમળાબેનને પતાવી દિધેલ છે. ઘરે જાજે, બચે કે ન બચે, તમારાથી થાય તે કરી લેજો. તેમ કહીને ફોન કાપી નાખેલ. તે વખતે બાબુએ તેના ભાઈ કિરણને ફોન કરી સમગ્ર બનાવની જાણ કરી હતી અને હત્યારા પિતાનેે બાર તેર ફોન કરતા આરોપી પ્રેમજીએ સામેથી ફોન કરીને કહ્યું હતું કે, "મે તારી મમ્મીને પતાવી દિધેલ છે. હવે મને ફોન કરતો નહીં." તેમ કહી ફોન કાપી નાખેલ.

એ દરમિયાન બાબુનો ભાઈ કિરણ ઘરે ગયો હતો એ સમયે ઘરે તાળું લાગેલું હોય જેથી તાળું તોડીને અંદર જતા કમળાબેન લોહી લુહાણ અવસ્થામાં પડ્યા હતા જેથી કરીને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરીને કમળાબેનને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.બાબુએ વધુમાં કહ્યું કે, આ બનાવનું કારણ એ છે કે, મારા પપ્પા મારા મમ્મી સાથે અવાર-નવાર ઘરકંકાસ બાબતે ઝગડો કરતા હતા. જેથી પિતાએ મારા મમ્મી સાથે ઝગડો કરી માથામાં કોઇપણ હથીયાર વડે ગંભીર ઇજા કરી મોત નીપજાવી નાસી ગયેલ છે. એવું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.