મર્ડર@અમદાવાદ: શહેરના વટવા વિસ્તારમાં સગા દીયર અને દેરાણીએ મળીને ભાભીની હત્યા કરી નાખી.

ઝઘડો આખરે સમાધાનનાં બદલે હત્યામાં પરિણમ્યો.
 
મર્ડર@અમદાવાદ: શહેરના વટવા વિસ્તારમાં સગા દીયર અને દેરાણીએ મળીને ભાભીની હત્યા કરી નાખી.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ફરી એક વખત સંબંધોનું ખૂન થયું હોવાની ઘટના સામે આવી છે. શહેરના વટવા વિસ્તારમાં સગા દીયર અને દેરાણીએ મળીને ભાભીની હત્યા કરી નાખી. નાનકડી વાતમાંથી થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ અને વાત હત્યા સુધી પહોંચી ગઈ. વાત છે અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા ચાર માળિયા ક્વાર્ટરની, કે જ્યાં 31 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે પરિવારમાં આંતરિક ઝઘડો થયો અને આ ઝઘડો આખરે સમાધાનનાં બદલે હત્યામાં પરિણમ્યો.

કૌટુંબિક ઝઘડો બન્યો ઉગ્ર, 

વટવામાં આવેલા વસંત ગજેન્દ્ર ગડકરનગર ચાર માળિયામાં રહેતા શાહનવાજ શેખ અને તેમના પત્ની આફરીનબાનું રહેતા હતા. તેજ મકાનમાં શાહનવાઝ શેખનાં ભાઈ સાહિલ અને સેહઝાન તેમજ સાહિલના પત્ની મુસ્કાનબાનું પણ રહેતા હતા. જોકે ગઈકાલે મોડી રાત્રે આફરીનબાનુની સાથે દેરાણી મુસ્કાનબાનું તેમજ તેમના પતિ અને અન્ય એક દિયર સાથે બોલાચાલી થઈ હતી. જેમાં દેરાણી મુસ્કાનબાનુ અને અન્ય ભાઈઓએ શાહનવાજની પત્ની આફરીનબાનુ સાથે ઝઘડો કર્યો હતો અને જેમાં તેઓએ જણાવ્યું હતું કે તમારી વાતચીતનાં કારણે મારા બાળકો જાગી ગયા છે. જે વાતને લઈને ઝઘડો વધુ ઉગ્ર બનતા આખરે દેરાણી અને બંને દીયરે આફરીનબાનુને પકડી ગળું દબાવ્યું હતું અને જેમાં તેનું મોત નીપજ્યું હતું.

મૃતકના પતિએ બંને ભાઈ અને ભાભી સામે નોંધાવી હત્યાની ફરિયાદ

સમગ્ર પારિવારના ઝઘડામાં એક નાનકડી વાતમાં હત્યા થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને શાહનવાજ શેખે પોતાની પત્નીની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે ઘરમાં થયેલા ઝઘડાની હકીકત જણાવી હતી અને પોતાના સગા બે ભાઈઓ તેમજ ભાભીએ મળી અને તેમની પત્નીની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

હત્યા પાછળ કૌટુંબિક ઝઘડો કે અન્ય કોઈ કારણ તે દિશામાં તપાસ

હાલ તો એક સામાન્ય બાબત કે જેના થકી મોડી રાત્રે ઘરમાં થયો ઝઘડો અને આ ઝઘડો બન્યો મોતનું કારણ, ત્યારે હવે પોલીસે શાહનવાજની ફરિયાદને લઈને ત્રણેય આરોપીઓને તો ધરપકડ કરી છે પરંતુ હકીકત ખરેખર શું છે અને બાળક જાગી જવાની બાબતને લઈને જ ઝઘડો થયો હતો કે હત્યા પાછળ અન્ય કોઈ કારણ પણ જવાબદાર છે તેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે.